આજકાલ આપણા બોલિવૂડના સુપરસ્ટાર્સ અને દિગ્ગજ સેલિબ્રિટીઓ સિનેમાઘરો કે રેડ કાર્પેટ પર ધમાલ મચાવ્યા પછી સીધા ખેતરો તરફ કેમ દોડી રહ્યા છે એવો સવાલ ક્યારેય તમને થયો છે? મુંબઈની ભાગદોડ અને કેમેરાની ફ્લેશ લાઈટ્સથી દૂર આ સેલિબ્રિટીઓ શાંતિપૂર્ણ વીકએન્ડ વિતાવવા માટે હવે ફાર્મહાઉસ અને ખેતીની જમીન ખરીદવામાં સૌથી આગળ છે. સલમાન ખાનનું પનવેલનું ફાર્મહાઉસ હોય કે પછી અલીબાગમાં વિરાટ-અનુષ્કા અને શાહરુખ ખાનની દીકરી સુહાનાનું સરનામું, દરેક સ્ટાર પાસે પોતાની એક ગ્રીન પ્રોપર્ટી છે. અમિતાભ બચ્ચનથી માંડીને નાના પાટેકર સુધીના કલાકારો પ્રકૃતિ સાથે જોડાવા માટે જાણીતા છે, પણ આ શોખ પાછળ માત્ર શુદ્ધ ઓર્ગેનિક શાકભાજી કે તાજી હવા જ કારણ નથી, આની પાછળ એક મોટું બિઝનેસ અને ટેક્સનું રહસ્ય છુપાયેલું છે.
જો વાત કરીએ સેલિબ્રિટીઓની તો મુંબઈની નજીક પનવેલમાં સલમાન ખાનનું પ્રખ્યાત અર્પિતા ફાર્મ તો અંદાજે 150 એકરમાં ફેલાયેલું છે, જ્યાં ઘોડાઓના તબેલાથી લઈને અદભુત હરિયાળી જોવા મળે છે. વ્હાઇટલિસ્ટેડ લિસ્ટમાં સ્વર્ગસ્થ ધર્મેન્દ્રની મહારાષ્ટ્રમાં 100 એકરની મિલકત પણ સામેલ છે જ્યાં ફળો અને શાકભાજીના મોટા બગીચા છે. તાજેતરમાં જ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પણ અલીબાગમાં અંદાજે 5.1 એકર ખેતીની જમીન ખરીદી છે, જેની કિંમત લગભગ 37.86 કરોડ રૂપિયા હોવાનું ચર્ચામાં રહ્યું છે. આ સિવાય શાહરુખ ખાનની લાડલી સુહાના ખાન અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ અલીબાગ તેમજ અયોધ્યા જેવા વિસ્તારોમાં જમીન ખરીદીને મોટું રોકાણ કર્યું છે. આ તમામ સ્ટાર્સ માટે આ માત્ર પ્રોપર્ટી નથી, પણ ફ્યુચર સિક્યોરિટી અને લક્ઝરી લાઈફસ્ટાઈલ છે.
પરંતુ અસલી ગેમ તો ટેક્સ બેનિફિટ્સની છે. મોટાપાયે કમાણી કરતી આ સેલિબ્રિટીઓ જ્યારે ખેતીની જમીનમાં રોકાણ કરે છે ત્યારે તેમને કાયદાકીય રીતે મોટા ફાયદા મળે છે. આવકવેરા કાયદાની કલમ 10(1) હેઠળ કૃષિમાંથી થતી આવકને કેન્દ્રીય આવકવેરામાંથી સંપૂર્ણ મુક્તિ મળે છે. એટલે કે પાક ઉગાડવો, ફળોના બગીચા સાચવવા કે ખેતીની પ્રવૃત્તિઓમાંથી જે વાસ્તવિક આવક થાય છે તેના પર કોઈ સેન્ટ્રલ ટેક્સ ભરવો પડતો નથી. જો કે, અહીં એ સમજવું પણ જરૂરી છે કે આ ટેક્સ છૂટ ફક્ત ખેતીમાંથી થતી કમાણી પર જ લાગુ પડે છે, કોઈ સેલિબ્રિટી પોતાની ફિલ્મોની એક્ટિંગ ફી કે અન્ય પ્રોફેશનલ બિઝનેસ ઇન્કમ આ કેટેગરીમાં બતાવીને ટેક્સ ચોરી શકે નહીં. માત્ર જમીન ખરીદી લેવાથી બીજી કોઈ આવક કૃષિ આવકમાં બદલાઈ જતી નથી. આમ, પ્રકૃતિનો પ્રેમ અને કરોડો રૂપિયાના ટેક્સ પ્લાનિંગનું આ અદભુત મિશ્રણ જ સેલિબ્રિટીઓ માટે ખેતીની જમીનને સૌથી હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બનાવી રહ્યું છે.
