ટેકનોલોજીની દુનિયામાં અત્યારે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું તૂફાન ચાલી રહ્યું છે. મોટાભાગની કંપનીઓ પોતાના કામકાજને ફાસ્ટ અને સ્માર્ટ બનાવવા માટે એઆઈનો ભરપૂર ઉપયોગ કરી રહી છે. આ બધા વચ્ચે હવે નોકરીઓ પર જોખમ તોળાવા લાગ્યું છે. હાલમાં જ દુનિયાની દિગ્ગજ હોસ્પિટાલિટી કંપની એરબીએનબીના સીઈઓ બ્રાયન ચેસ્કીએ એક પોડકાસ્ટમાં એવું મોટું નિવેદન આપ્યું છે જેણે કોર્પોરેટ વર્તુળોમાં હડકંપ મચાવી દીધો છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે આવનારા સમયમાં એવા મેનેજરો માટે મુશ્કેલીઓ વધી જશે જેઓ જૂની પદ્ધતિથી જ કામ કરી રહ્યા છે અને એઆઈ ટેકનોલોજીને અપનાવવાથી ડરે છે.
બ્રાયન ચેસ્કીના કહેવા મુજબ, આજની તારીખમાં માત્ર સ્ટાફ પર નજર રાખવી કે હાજરી પૂરવી એવું પરંપરાગત મેનેજમેન્ટનું કામ હવે પુરાણું થઈ ગયું છે. એઆઈ યુગમાં મેનેજરની ભૂમિકા બદલાઈ રહી છે. જો મેનેજરો સમયની સાથે નહીં બદલાય અને એઆઈનો ઉપયોગ કરીને કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં પાછા પડશે, તો કંપનીઓ તેમને સાઈડલાઈન કરી શકે છે. તેમણે ચેતવણી આપી છે કે જે લોકો નવી ટેકનોલોજી શીખવાથી ભાગશે અથવા તેને સ્વીકારવામાં આનાકાની કરશે, તેમનું માર્કેટમાં ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ બની જશે. એઆઈ એ કોઈ દુશ્મન નથી, પણ જે લોકો એઆઈનો ઉપયોગ કરતા શીખી જશે તેઓ તેવા લોકોને રિપ્લેસ કરી દેશે જેઓ એઆઈથી અજાણ છે.
આજના આ સ્પર્ધાત્મક યુગમાં જો કોર્પોરેટ સેક્ટરમાં સર્વાઈવ કરવું હોય, તો માત્ર ડિગ્રી કે અનુભવ પૂરતો નથી રહ્યો. કર્મચારીઓની સાથે-સાથે બોસ અને મેનેજરોએ પણ પોતાની સ્કિલ્સ અપગ્રેડ કરવી પડશે. એરબીએનબીના બોસની આ સલાહ માત્ર તેમની કંપની પૂરતી સીમિત નથી, પણ આખી દુનિયાના બિઝનેસ લીડર્સ માટે એક વેક-અપ કોલ છે. જો સમયસર આ વાત નહીં સમજીએ, તો એઆઈના આ યુગમાં લેઓફ્સ એટલે કે નોકરીમાંથી છટણીની કુહાડી ગમે ત્યારે ગરદન પર આવી શકે છે.
