અમરેલી જિલ્લાના વડિયા તાલુકા મથકે ગ્રામ પંચાયતના બોગસ સિક્કા અને નકલી વેરા પહોંચ બનાવીને છેતરપિંડી આચરવાનું એક મોટું ષડયંત્ર પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પંચાયતની બનાવટી વેરા પહોંચ અને સત્તાવાર હોદ્દાના નકલી સિક્કાઓનો ઉપયોગ કરી ગેરરીતિ આચરવામાં આવી હોવાની વિગતો સપાટી પર આવતા વડિયા ગ્રામ પંચાયતના સરપંચ મનીષ ઢોલરીયા તથા તલાટી કમ મંત્રી દ્વારા આ મામલે વડિયા પોલીસ મથકમાં સત્તાવાર લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ગંભીર બાબત બહાર આવતાં જ સ્થાનિક વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
પોલીસમાં નોંધાવેલી લેખિત ફરિયાદની વિગતો અનુસાર, વડિયાના સદગુરુ નગરમાં વસવાટ કરતા મુકેશભાઈ ગોવિંદભાઈ સોલંકી નામના શખ્સે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીના બનાવટી સિક્કા બનાવી લીધા હતા. આ શખ્સે પંચાયત હિસાબ નમૂના ક્રમાંક-૪ મુજબની બનાવટી વેરા પહોંચ બનાવી હતી, જેમાં ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૩ની તારીખ, પહોંચ નંબર-૩ અને મકાન નંબર ૨૯૮૧ દર્શાવીને રૂપિયા ૨,૯૯૦ની ખોટી પહોંચ તૈયાર કરી હતી. ત્યારબાદ તલાટી મંત્રીની બોગસ સહી અને નકલી સિક્કા લગાવી પંચાયત સાથે છેતરપિંડી આચરી હતી. આ નકલી પહોંચના આધારે ખાનગી કે સરકારી સ્તરેથી લોન મેળવી લીધી હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ પહોંચ પંચાયત કચેરીના ધ્યાને આવી ત્યારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
પ્રાથમિક દ્રષ્ટિએ એવી પણ પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ બનાવટી સિક્કા અને પહોંચ પાછલા ત્રણ વર્ષથી ઉપયોગમાં લેવાતા હોઈ શકે છે. જેથી આ બોગસ દસ્તાવેજોનો ઉપયોગ અન્ય કઈ કઈ જગ્યાએ કે કઈ યોજનાઓમાં થયો છે તેની ઊંડાણપૂર્વક તપાસ થવી અત્યંત જરૂરી બની છે. ચર્ચાતી વિગતો અનુસાર, આ મામલો થોડા દિવસો અગાઉ સામે આવ્યો ત્યારે સ્થાનિક રાજકીય આગેવાનોએ પંચાયત કચેરી ખાતે બંધ બારણે બેઠક યોજીને સમગ્ર પ્રકરણ દબાવી દેવા પ્રયાસો કર્યા હતા. જોકે, હવે આ મામલે પોલીસ ફરિયાદ થતાં, જો તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય મળતિયાઓ અને કેટલાક માથાભારે લોકોના નામ પણ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
