JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

મોટી ખાવડીથી રાજસ્થાન જતા પેટ્રોલમાં કેમિકલ ભેળવવાનું કારસ્તાન: બે ટેન્કર ચાલકો સામે મેઘપર પોલીસમાં ગુનો

Oct 09, 2026 | 13:57 | By JAMNAGAR MIRROR
મોટી ખાવડીથી રાજસ્થાન જતા પેટ્રોલમાં કેમિકલ ભેળવવાનું કારસ્તાન: બે ટેન્કર ચાલકો સામે મેઘપર પોલીસમાં ગુનો

જામનગર તાલુકાના મોટી ખાવડી ખાતે આવેલી ખાનગી રિફાઇનરીમાંથી રાજસ્થાન મોકલવામાં આવતા પેટ્રોલમાં રસ્તામાં કેમિકલ ભેળવી ભેળસેળયુક્ત ઈંધણ પહોંચાડી દેવાના એક ગંભીર કૌભાંડનો પર્દાફાશ થયો છે. કંપનીમાંથી પેટ્રોલ ભરીને નિયત મંજિલ સુધી પહોંચાડવાના બદલે ગેરકાયદેસર આર્થિક ફાયદો મેળવવાના બદઈરાદાથી જથ્થામાં કેમિકલનું મિશ્રણ કરી ટ્રાન્સપોર્ટ કંપની તેમજ ગ્રાહકો સાથે મોટો વિશ્વાસઘાત આચરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં બે મુખ્ય આરોપીઓ સામે કાયદેસરનો ગુનો દાખલ થતાં ચકચાર મચી જવા પામી છે.

પોલીસ મથકે નોંધાયેલી વિગતવાર ફરિયાદ મુજબ, જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં માટેલ ચોક નજીક રહેતા ફરિયાદી રાજેશભાઈ સુરેશભાઈ મકવાણાની દેખરેખ હેઠળ કાર્યરત અગ્રવાલ રોડલાઇન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને મોટી ખાવડી સ્થિત ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી ઇંધણ પરિવહન કરવાનો કોન્ટ્રાક્ટ મળેલો હતો. આ કામગીરી હેઠળ ટ્રાન્સપોર્ટ પેઢીના બે ટેન્કરો, જેના નોંધણી નંબર જીજે-૧૨-સીટી-૧૪૯૨ તથા જીજે-૧૨-સીટી-૧૩૦૭ છે, તેમાં કંપનીમાંથી પેટ્રોલનો જથ્થો ભરીને રાજસ્થાનના માંડાર ખાતે આવેલા જિયો બીપી ડેપો અને ત્યાંથી સ્થાનિક પેટ્રોલપંપો સુધી મૂળ ગુણવત્તા સાથે સલામત પહોંચાડવાની કાયદેસરની જવાબદારી સોંપવામાં આવી હતી.

જોકે, પરિવહનની આ કામગીરી દરમિયાન આરોપીઓએ વધુ કમાણી કરવાની લાલચમાં અન્ય મળતિયા શખ્સો સાથે પૂર્વઆયોજિત કાવતરું ઘડી પેટ્રોલમાં કેમિકલ મિશ્રિત કરી દીધું હતું. આ ભેળસેળયુક્ત પેટ્રોલ સંબંધિત પંપો પર પહોંચાડીને મોટો આર્થિક લાભ મેળવવામાં આવ્યો હતો. આ મામલે મેઘપર પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના શિવ તાલુકાના કોટરા ગામના દાવદખાન સુજાખાન તથા મીઠીબેરી વિસ્તારના કમરૂદ્દીન હાજીખાન સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ ૩૧૬(૩) અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ૧૯૫૫ ની કલમ ૭ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ ફરાર આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર એ. એલ. બારસીયાના વડપણ હેઠળ આગળની તપાસ તેજ કરવામાં આવી છે.

LATEST ARTICLES