યાત્રાધામ ચોટીલામાં નિર્દોષ નાગરિકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહેલા એક બોગસ તબીબનો સુરેન્દ્રનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની માન્ય તબીબી પદવી કે ડિગ્રી ન હોવા છતાં એલોપેથીક સારવાર આપી દર્દીઓના જીવ જોખમમાં મુકનારા આ શખ્સને રંગેહાથ ઝડપી પાડી કાયદેસરનો સકંજો કસવામાં આવ્યો છે. પ્રતિષ્ઠિત હોસ્પિટલના ઓઠા હેઠળ ચાલતા આ ગોરખધંધાનો પર્દાફાશ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બોગસ તબીબો સામે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ દરમિયાન બાતમી મળી હતી કે, ચોટીલાની હરિધામ સોસાયટીમાં રહેતો વિશાલ વિઠ્ઠલભાઈ સોરાણી નામનો ૩૩ વર્ષીય શખ્સ કોઈ માન્ય ડિગ્રી વગર ચોટીલાની આદેશ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે દર્દીઓની એલોપેથીક સારવાર કરી રહ્યો છે. આ બાતમી આધારે સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વર્ગ-૨ તબીબને સાથે રાખી હોસ્પિટલમાં ડમી દર્દી મોકલી દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં આરોપી દર્દીની તપાસ અને સારવાર કરતા રંગેહાથ પકડાઈ ગયો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આ નકલી તબીબ છેલ્લા સાત વર્ષ જેટલા લાંબા સમયથી આ જ પ્રકારે દર્દીઓનું પરીક્ષણ અને સારવાર કરતો હતો. હોસ્પિટલના બોર્ડ પર મોટી માન્ય ડિગ્રી ધરાવતા તબીબોના નામો દર્શાવીને અંદર આવા અયોગ્ય શખ્સો દ્વારા સારવાર ચલાવવામાં આવતી હોવાની ચોંકાવનારી વાસ્તવિકતા બહાર આવી છે. ચોટીલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવા ડિગ્રી વગરના તબીબોની હાટડીઓ ધમધમતી હોવાની લોકચર્ચા વચ્ચે સમગ્ર પંથકમાં સઘન તપાસની માંગણી ઊઠી છે.
ચોટીલા પોલીસે ઝડપાયેલા શખ્સ વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર કાયદાની કલમ-૩૦ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. માનવ જિંદગી સાથે રમત રમતા આવા લેભાગુ તત્વો સામે પોલીસે લાલ આંખ કરી કડક કાર્યવાહીનો સંકેત આપતાં ગેરકાયદે પ્રેક્ટિસ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
