દિલ્હીના ૩૧ વર્ષીય રિયલ એસ્ટેટ વેપારી યુવરાજ સિંહ મનચંદા હત્યા કેસમાં પોલીસની ગંભીર બેદરકારી સામે આવતા ગુરુગ્રામના બાદશાહપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રાજેશ બાગરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા યુવરાજ સિંહના મૃતદેહને બિનવારસી ગણીને પરિવારજનોને ઓળખ કરવાની તક આપ્યા વિના જ ઉતાવળે અંતિમસંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત નિયમ મુજબ આંતરરાજ્ય પોલીસ ડેટાબેઝ પર પણ લાશ અંગેની કોઈપણ વિગત અપલોડ કરવામાં આવી નહોતી. આ સમગ્ર મામલો દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચતા પોલીસ તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ૧૦ સપ્ટેમ્બરના રોજ યુવરાજ સિંહનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. નિયમ અનુસાર અજાણ્યા મૃતદેહો અને ગુમ થયેલા વ્યક્તિઓની માહિતી આંતરરાજ્ય પોલીસ નેટવર્કના ઓનલાઇન પોર્ટલ પર અપલોડ કરવાની હોય છે, જેથી તેમના વાલીવારસો ઓળખ કરી શકે. જોકે, સ્થાનિક પોલીસે નિયમોને નેવે મૂકીને લાશના અંતિમસંસ્કાર કરી દીધા હતા. આ ઘોર બેદરકારી સામે મૃતકની બહેન હરસિમરન મનચંદાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. સર્વોચ્ચ અદાલતે આ બાબતની ગંભીર નોંધ લઈને દિલ્હી અને ગુરુગ્રામના પોલીસ કમિશનરો પાસેથી વ્યક્તિગત સોગંદનામા માંગ્યા છે. આ અરજીમાં સમગ્ર દેશમાં અજાણ્યા મૃતદેહો અને ગુમ થયેલા લોકોના નિકાલ અંગે સમાન પ્રમાણભૂત સંચાલન પ્રક્રિયા અમલમાં લાવવાની પણ માંગ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ આ કેસના તપાસ અધિકારી સહૂન ખાનને કાયદાકીય ઔપચારિકતાઓમાં ગંભીર ક્ષતિઓ રાખવા બદલ અગાઉ જ સસ્પેન્ડ કરી દેવાયા હતા. હવે પોલીસ સ્ટેશનના મુખ્ય ઇન્ચાર્જ સામે પગલાં લેવાયા છે, જ્યારે કંટ્રોલ રૂમના એક કર્મચારી અને ફોરેન્સિક ટીમના બે સભ્યો સહિત કુલ પાંચ પોલીસકર્મીઓ સામે શિસ્તભંગની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ચકચારી ઘટનાએ ગુનાહિત કેસોની તપાસમાં પોલીસ વિભાગની અસંવેદનશીલતા અને બેદરકારીની પોલ ખોલી નાખી છે.
