સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી સ્થિત વેલનાથપરા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે સપાટો બોલાવીને એક મોટા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે આ જુગારનો અડ્ડો રાજકોટના એરપોર્ટ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરના ભાઈ દ્વારા ચલાવવામાં આવી રહ્યો હતો. મોડી રાત્રે અચાનક પડેલા આ દરોડા દરમિયાન પોલીસે એક મહિલા સહિત બે શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા, જ્યારે મુખ્ય સંચાલકો સહિત સાત શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીના ભાઈ સંચાલિત અડ્ડા પર દરોડો પડતાં સમગ્ર પોલીસબેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
મળતી વિગતો અનુસાર, સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે પાટડીના વેલનાથપરામાં રબારીવાસ પાછળ આવેલા ખરાબામાં બહારથી લોકોને બોલાવીને મોટા પાયે જુગાર રમાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી સગરામ વિભાભાઈ રબારી અને રમીલાબેન ગોપાલભાઈ ઠાકોરને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રોકડા રૂપિયા ૨,૩૪,૭૮૦, એક કાર તથા બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૫,૨૫,૭૮૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જોકે, મુખ્ય સંચાલક અનિલ દશરથભાઈ ઠાકોર અને પીઆઈનો ભાઈ કિરણ પ્રહલાદભાઈ ઠાકોર સહિત સાત આરોપીઓ પોલીસને થાપ આપી ફરાર થઈ ગયા હતા.
આ સમગ્ર મામલે પાટડી પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ જ સ્થળે અગાઉ પણ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં પણ પીઆઈના ભાઈ કિરણ ઠાકોર સહિતના શખ્સો લાખોના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. ત્યારે ફરી એકવાર આ જ સ્થળે ધમધમતા જુગારધામ પર ગાંધીનગરની ટીમે દરોડો પાડતાં સ્થાનિક પોલીસની શંકાસ્પદ ભૂમિકા અને મીઠી નજર સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટના બાદ સ્થાનિક પોલીસ કર્મચારીઓ સામે કડક ખાતાકીય પગલાં લેવાય તેવી પૂર્ણ શક્યતાઓ સેવાઈ રહી છે.
