JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ભાવનગરના કરચલિયાપરામાં અસામાજિક તત્વોનો ખુલ્લેઆમ આતંક: તલવાર અને ધારિયાં સાથે દુકાન પર હુમલો કરી માતા-પુત્રને આપી જાનથી મારી નાખવાની ધમકી

Oct 09, 2026 | 11:43 | By JAMNAGAR MIRROR
ભાવનગરના કરચલિયાપરામાં અસામાજિક તત્વોનો ખુલ્લેઆમ આતંક: તલવાર અને ધારિયાં સાથે દુકાન પર હુમલો કરી માતા-પુત્રને આપી જાનથી મારી નાખવાની ધમકી

ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ સામે ફરી એક વખત ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરના કરચલિયાપરા વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવી અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી છે. જૂની અદાવતની દાઝ રાખીને માથાભારે શખ્સો હાથમાં તલવાર, ધારિયા અને લાકડી-ધોકા જેવા જીવલેણ હથિયારો સાથે એક મહિલાની કરિયાણાની દુકાને ધસી આવ્યા હતા અને ધોળા દિવસે જાહેરમાં આતંક મચાવી દહેશત ફેલાવી હતી.

મળતી વિગતો અનુસાર, કમલ રમેશ મકવાણા, મિહિર પ્રવીણ બારૈયા અને અન્ય એક અજાણ્યો શખ્સ ખુલ્લી તલવારો અને હથિયારો લહેરાવતા દુકાન પર પહોંચ્યા હતા. આ શખ્સોએ દુકાનદાર મહિલા ભારતીબેન રમેશભાઈ બારૈયા તેમજ તેમના પુત્ર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને જાહેરમાં બિભત્સ ગાળો ભાંડીને જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપી હતી. આ સમગ્ર લજ્જાસ્પદ અને ભયાનક ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં અસામાજિક તત્વો નિર્ભય બનીને હથિયારો સાથે આતંક મચાવતા નજરે પડે છે. આ દ્રશ્યો સામે આવતા જ સમગ્ર સ્થાનિક વિસ્તારના રહીશોમાં ભારે ફફડાટ અને ગભરાટનો માહોલ સર્જાયો છે.

આ ગંભીર ઘટના બાદ સ્થાનિક પોલીસની ઢીલી નીતિથી કંટાળીને પીડિત મહિલા ન્યાયની આશા સાથે મોડી રાત્રે બાર વાગ્યે સીધા જિલ્લા પોલીસ વડાના બંગલે પહોંચી ગયા હતા અને સમગ્ર આપવીતી રજૂ કરી રક્ષણની માંગ કરી હતી. ઉચ્ચ કક્ષાએ રજૂઆત બાદ આખરે મોડી રાત્રે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ત્રણેય હુમલાખોરો સામે વિધિવત ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં અસામાજિક તત્વોના વધતા દૂષણ અંગે અગાઉ પૂર્વ કોર્પોરેટર દ્વારા રાજ્યના ગૃહમંત્રીને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી. સ્થાનિક નાગરિકોમાં હવે એવો રોષ જોવા મળી રહ્યો છે કે પોલીસ તંત્ર આવા લુખ્ખા તત્વો સામે ક્યારે કડક કાર્યવાહી કરીને કાયદાનું ભાન કરાવશે.

LATEST ARTICLES