JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
વાયરલ

અમદાવાદના લાંભામાં એસ્ટેટ વિભાગના કર્મચારીઓનો હપ્તાવસૂલી કરતો વીડિયો વાયરલ થતાં સસ્પેન્ડ કરાયા

અમદાવાદના લાંભામાં એસ્ટેટ વિભાગના કર્મચારીઓનો હપ્તાવસૂલી કરતો વીડિયો વાયરલ થતાં સસ્પેન્ડ કરાયા
અમદાવાદના લાંભા વિસ્તારમાં ફેરિયાઓ પાસેથી હપ્તા ઉઘરાવતો વીડિયો વાયરલ થતા એસ્ટેટ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે, જે મામલે AMC જનરલ બોર્ડમાં હોબાળો મચતા તંત્રએ તાત્કાલિક બે કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

અમદાવાદ શહેરમાં રસ્તાઓ અને ફૂટપાથ પર થતા ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની મુખ્ય જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની હોય છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી દબાણ હટાવવાની આ કામગીરી પારદર્શક હોવાને બદલે શંકાના દાયરામાં આવી છે. તાજેતરમાં લાંભા વિસ્તારના ઇસનપુર આસપાસના પટ્ટામાં એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક ઇસમ શાકભાજી અને ફ્રૂટના ફેરિયાઓ પાસેથી રોકડ રકમ ઉઘરાવતો નજરે પડે છે અને ત્યારબાદ તે આ જમા કરેલા નાણાં દબાણ હટાવવા આવેલી સત્તાવાર ગાડીમાં બેઠેલા કર્મચારીઓને સોંપતો દેખાય છે. રૂપિયા આપ્યાની સાથે જ દબાણની ગાડી ત્યાંથી રવાના થઈ જતી હોવાથી આ સમગ્ર પ્રકરણમાં લાંચ અને હપ્તાવસૂલીનું મોટું રેકેટ ચાલતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ વીડિયો વાયરલ થતાં જ શહેરમાં ચકચાર મચી ગઈ હતી અને AMCના જનરલ બોર્ડની બેઠકમાં પણ આ મુદ્દો ભારે ગરમાયો હતો. કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા આ ગેરરીતિ સામે આકરા સવાલો ઉઠાવવામાં આવતા સત્તાધીશો પણ દોડતા થઈ ગયા હતા. વિવાદ વધતો જોઈને એસ્ટેટ-ટીડીઓ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી હાથ ધરી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે વીડિયોમાં દેખાતા કોર્પોરેશનના ૧ MTS કર્મચારી અને ૧ મજૂર પ્રકારના દબાણ ખાતાના કર્મચારીને ત્વરિત અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને ભવિષ્યમાં આવી અનિયમિતતાઓ અટકાવવા માટે દબાણ ખાતાની ગાડીઓની આખી સિસ્ટમમાં જડમૂળથી ફેરફાર કરવાની ખાતરી પણ આપવામાં આવી છે.

શહેરમાં અગાઉ પણ એસ્ટેટ વિભાગની ગાડીઓ પહોંચતા પહેલાં જ ફેરિયાઓને આગોતરી જાણ થઈ જતી હોવા અને હપ્તા લેવાતા હોવાના આક્ષેપો થતા રહ્યા છે. આમ છતાં, કડક કાર્યવાહીના અભાવે ગેરકાયદેસર દબાણો અને લારી-ગલ્લા બેરોકટોક ધમધમી રહ્યા છે. લાંભાની તાજેતરની ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કાયદાના રક્ષકો જ જ્યારે અન્યાય કે ભ્રષ્ટાચારમાં સંડોવાય ત્યારે સામાન્ય પ્રજા અને પ્રમાણનિક વેપારીઓ મુશ્કેલીમાં મુકાય છે. જોકે, આ કિસ્સામાં તંત્ર દ્વારા તાત્કાલિક લેવાયેલા સસ્પેન્શનના પગલાંથી ભ્રષ્ટ તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે, પરંતુ આગામી દિવસોમાં આ સિસ્ટમમાં કેટલા સચોટ બદલાવ આવે છે અને દબાણ શાખાની કામગીરી કેટલી પારદર્શક બને છે તે તો સમય જ નક્કી કરશે.

વાયરલ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES