ગુજરાત એટીએસ દ્વારા હાથ ધરવામાં આવેલા એક અત્યંત સફળ અને સચોટ ઓપરેશનમાં વડોદરા એરફોર્સ સ્ટેશનને નિશાન બનાવવાનું મોટું આતંકવાદી કાવતરું પર્દાફાશ થયું છે. ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે ૨૨ વર્ષીય મોહમ્મદ સાહરુલ ઇસ્લામ કબીરૂદ્દીન નામના શખ્સને ઝડપી લીધો છે, જે મૂળ અસમનો રહેવાસી છે. પ્રારંભિક તપાસમાં ખુલાસો થયો છે કે આ આરોપી પાકિસ્તાનસ્થિત હેન્ડલર મુફ્તિ રફીક ઉર્ફે ઇબ્ન અબ્દુલ્લાના સંપર્કમાં હતો અને રાજ્યની મહત્વપૂર્ણ સુરક્ષા સ્થાપના પર હુમલો કરવા માટે ગુજરાતમાં આવ્યો હતો. એટીએસની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી દાહોદથી વડોદરા તરફ આવી રહેલા આ શંકાસ્પદની હિલચાલ પર સતત નજર રાખીને તેને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
આરોપીની અટકાયત બાદ તેની સઘન તલાશી લેવામાં આવતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી. તેની પાસેથી એક અત્યાધુનિક AK-47 રાઇફલ, બે ખાલી મેગેઝિન, ૨૩ જીવતા કારતુસ, જૈશ-એ-મોહમ્મદનો ધ્વજ, બે મોબાઈલ ફોન અને આશરે ૨૦,૦૦૦ રોકડ રકમ મળી આવી હતી. પોલીસ દ્વારા તેના મોબાઈલ ફોનની પ્રાથમિક તપાસ કરવામાં આવતા તેમાં વડોદરા એરફોર્સ સ્ટેશન અને અન્ય સંવેદનશીલ સ્થળોના ફોટોગ્રાફ્સ મળી આવ્યા હતા, જેમાં ગેટ પર લાલ ચોકડીની નિશાનીઓ કરીને ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ થયું હતું. આ ઉપરાંત, એરફોર્સ સ્ટેશનનો રેકી વીડિયો, મેપના સ્ક્રીનશોટ અને રાઇફલ ચલાવવાની તાલીમ આપતા ઓનલાઈન વીડિયો પણ તેના ફોનમાંથી કબ્જે કરવામાં આવ્યા છે.
એટીએસની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે સાહરુલને ફોન ખરીદવા અને લોજિસ્ટિકલ સપોર્ટ ગોઠવવા માટે ૫૦,૦০০ રૂપિયા આપવામાં આવ્યા હતા અને હુમલો કર્યા બાદ તે પાકિસ્તાન ભાગી જવાની યોજના ધરાવતો હતો. આ ગંભીર મામલે પોલીસ દ્વારા યુવાપીએ (UAPA), ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હાલ સુરક્ષા એજન્સીઓ આ કાવતરા પાછળ સક્રિય અન્ય સ્થાનિક સંપર્કોની ભાળ મેળવવા, ફંડિંગના સ્ત્રોતને ટ્રેસ કરવા અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
