JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
વાયરલ

અમદાવાદમાં AMC કર્મચારીનો લારીવાળા પાસેથી હપ્તો વસૂલતો વીડિયો વાયરલ થતાં તંત્ર હરકતમાં

Jamnagar Mirror
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે ઈસનપુર વિસ્તારમાં એસ્ટેટ વિભાગના કર્મચારી દ્વારા શાકભાજી વિક્રેતાઓ પાસેથી જાહેરમાં નાણાં ઉઘરાવતો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે.

અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર દબાણો અને લારી-ગલ્લા હટાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાતેય ઝોનમાં સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કાર્યવાહી પાછળનો હેતુ ટ્રાફિક વ્યવસ્થા સુધારવાનો અને રસ્તાઓ ખુલ્લા કરવાનો છે. પરંતુ આ વચ્ચે શુક્રવારે સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો, જેણે તંત્રની પારદર્શતા અને પ્રામાણિકતા સામે ગંભીર સવાલો ખડા કર્યા છે. સાઉથ ઝોનના લંભા વોર્ડ અંતર્ગત આવતા ઈસનપુર વિસ્તારના શાકભાજી માર્કેટનો આ વીડિયો છે, જ્યાં AMCના કર્મચારીની ગેરરીતિ ખુલ્લી પડી છે.

વાયરલ થયેલા આ ફૂટેજમાં જોઈ શકાય છે કે એસ્ટેટ વિભાગનું એન્ટી-એન્ક્રોચમેન્ટ વાહન શાકભાજી માર્કેટની નજીક જ પાર્ક કરેલું છે. આ વાહનની હાજરી વચ્ચે જ AMCનો એક કર્મચારી લારી અને પથારાવાળા પાસે એક પછી એક જઈને નિયત રકમ ઉઘરાવી રહ્યો છે. રોડ પર દબાણ દૂર કરવાના નામે ફરજ બજાવતી વખતે કર્મચારી દ્વારા જ આમ જાહેરમાં હપ્તા વસૂલાત કરવામાં આવતી હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો અને નાગરિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

આ મામલો ગંભીર બનતા જ AMCનું એસ્ટેટ વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને આકરી કાર્યવાહીના સંકેત આપ્યા હતા. સાઉથ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર કિશોર પટેલે આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ ઘૃણાસ્પદ કૃત્યમાં સંડોવાયેલા સંબંધિત કર્મચારી અને અન્ય સ્ટાફ સામે સખતમાં સખત શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવાની વાત કરવામાં આવી છે, જેથી શહેરમાં ફરજ પાડતા અન્ય કર્મચારીઓ પણ કાયદાનું પાલન કરવા માટે ચેતી જાય.

વાયરલ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES