નવી દિલ્હી ખાતે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર તમિલ ભાષામાં "વેત્રિવેલ મુરુગનુકુ અરોગારા" (ભગવાન મુરુગનની જય) એવું વાક્ય અંગ્રેજી અને હિન્દી બંને લિપિમાં પોસ્ટ કર્યું હતું. વડાપ્રધાને આ પોસ્ટ સાથે કોઈ વધારાની વિગતો શેર કરી ન હતી, પરંતુ આ સોશિયલ મીડિયા પોસ્ટ મદુરાઈના અરુલમિગુ સુબ્રમણ્યાસ્વામી મંદિરને લગતા વિવાદમાં સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ આદેશ આવ્યાના થોડા કલાકો બાદ જ સામે આવી હતી. આ અચાનક આવેલી પોસ્ટથી રાજકીય અને ધાર્મિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
મદુરાઈ સ્થિત તિરુપુરનકુંડ્રમ ટેકરી પર દીપસ્થૂણ પથ્થરના સ્તંભ ઉપર કાર્તિકઈ દીપમનો દીવો પ્રગટાવવાની અગાઉની કોર્ટની મંજૂરીના આદેશનું પાલન ન કરવા બદલ સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકાર સામે લાલ આંખ કરી હતી. રાજ્ય સરકારે કાયદો અને વ્યવસ્થિત પરિસ્થિતિનો હવાલો આપીને નિર્ધારિત જગ્યાએ દીવો પ્રગટાવવા દીધો ન હતો અને તેના બદલે અન્યત્ર દીવો પ્રગટાવવામાં આવ્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકાર, જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર અને મંદિરના ટ્રસ્ટી મંડળ સામે અવમાનનાની કાર્યવાહીના આદેશ આપીને ૧૫ ડિસેમ્બરે રૂબરૂ હાજર રહેવા જણાવ્યું છે.
અદાલતે મંદિરના વહીવટમાં નિષ્ફળતા બદલ મદ્રાસ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશો જસ્ટિસ વૈદ્યનાથન અને જસ્ટિસ પાર્થિબનની નિમણૂક કરી છે અને તિરુપુરનકુંડ્રમ ટેકરીની સુરક્ષા માટે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) ને તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે તમિલ માસ કાર્તિકઈ દરમિયાન ટેકરી પર વિધિવત દીપોત્સવ યોજવા પણ તાકીદ કરી છે. સરકારી અધિકારીઓએ પોતાની ફરજો બજાવવામાં બેદરકારી દાખવી હોવાનું નોંધીને સર્વોચ્ચ અદાલતે સમગ્ર મામલે અત્યંત કડક વલણ અપનાવ્યું છે.
