ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વલસાડ જિલ્લાના પ્રખ્યાત શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર ખાતે પ્રથમ વખત ત્રણ દિવસીય ભવ્ય ચિંતન શિબિર 'ઉત્કર્ષ સંવાદ-૨૦૨૬'નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. 'સામૂહિક સંવાદ, સામૂહિક વિકાસ'ની મુખ્ય થીમ પર આધારિત આ શિબિરમાં રાજ્યભરના વહીવટી અધિકારીઓ, વિભાગીય વડાઓ અને જિલ્લા કક્ષાના અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન કલ્યાણકારી યોજનાઓની સમીક્ષા કરવાનો અને ટેકનોલોજીના માધ્યમથી છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ ઝડપથી અને પારદર્શક રીતે પહોંચાડવાનો હતો. શિબિર દરમિયાન અધિકારીઓએ ભવિષ્યની રૂપરેખા તૈયાર કરવા માટે ગહન ચર્ચા-વિચારણા કરી હતી.
આ શિબિરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ઉકેલો, ડિજિટલ ગવર્નન્સ અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે સુગમ વાતાવરણ ઊભું કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ, બાળકો, વરિષ્ઠ નાગરિકો, તૃતીય પંથીઓ અને અન્ય સંવેદનશીલ વર્ગો માટે કલ્યાણકારી યોજનાઓની પહોંચને વધુ સરળ બનાવવાની દિશામાં પણ ગંભીર મંથન થયું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતો દ્વારા પ્રસ્તુતિઓ આપવામાં આવી હતી. જેમાં યુએસ સ્થિત 'વોઈસ ઓફ સ્પેશિયલી એબલ પીપલ' (VOSAP) ના સ્થાપક પ્રણવ દેસાઈ દ્વારા દિવ્યાંગ સશક્તિકરણનું મોડેલ રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે યુનિસેફ અને બી.એમ. ઇન્સ્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ દ્વારા પણ મહત્ત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શિષ્યવૃત્તિ, લોન યોજનાઓ, દિવ્યાંગો અને બાળકોના કલ્યાણ માટેના કાર્યક્રમો તેમજ વિવિધ નિગમોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરાઈ હતી જેથી યોજનાકીય આવરી ૧૦૦ ટકા સુધી પહોંચાડી શકાય. આ ઉપરાંત, વિઝન ૨૦૪૭ના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને વિભાગનો આગામી રોડમેપ તૈયાર કરવાની દિશામાં પણ મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યાં છે. લાંબા ગાળાની નીતિઓ ઘડવા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમો દ્વારા નિષ્ણાતો અને સંસ્થાઓ સાથે વધુ સહયોગ સાધવાનો પ્રસ્તાવ પણ આ શિબિરમાં મૂકવામાં આવ્યો હતો.
