નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર, ભારતીય શેરબજારમાં રોકાણની દ્રષ્ટિએ એક મોટું પરિવર્તન જોવા મળ્યું છે. ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં મહિના-દર-મહિના (MoM) ૪૫.૩ ટકાનો જબરદસ્ત વધારો નોંધાયો છે, જેના કારણે રાજ્યમાં કુલ સક્રિય રોકાણકારોની સંખ્યા ૨૮.૧ લાખ પર પહોંચી ગઈ છે. આ સાથે ગુજરાતે ભારતના કુલ સક્રિય રોકાણકાર બેઝમાં ૧૯ ટકાનો મજબૂત હિસ્સો મેળવ્યો છે. અગાઉ પરંપરાગત રીતે આ યાદીમાં પ્રથમ ક્રમે રહેલું મહારાષ્ટ્ર હવે આશરે ૨૩ લાખ સક્રિય રોકાણકારો સાથે બીજા સ્થાને સરકી ગયું છે, જ્યારે ઉત્તર પ્રદેશ ૧૨.૭ લાખ રોકાણકારો સાથે ત્રીજા ક્રમે રહ્યું છે.
આ અંગે એસોસિએશન ઓફ નેશનલ એક્સચેન્જ મેમ્બર્સ ઓફ ઈન્ડિયા (ANMI) ના ડિરેક્ટર વૈભવ શાહે જણાવ્યું હતું કે, ગુજરાતના રોકાણકાર બેઝમાં થયેલો આ અસાધારણ ઉછાળો દર્શાવે છે કે રોકાણકારોની ભાગીદારી હવે પરંપરાગત નાણાકીય કેન્દ્રોની બહાર પણ વ્યાપક બની રહી છે. ટોચના દસ રાજ્યોમાં ગુજરાતનું માસિક વૃદ્ધિ દર સૌથી મજબૂત રહ્યો છે, જ્યારે રાજસ્થાન અને હરિયાણાએ પણ અનુક્રમે ૨૭.૯ ટકા અને ૨૦.૮ ટકાની પ્રભાવશાળી વૃદ્ધિ નોંધાવી છે. રાષ્ટ્રીય સ્તરે પણ કેલેન્ડર વર્ષ ૨૦૨૬ના પ્રથમ દસ મહિનામાં માસિક સક્રિય રોકાણકારોનો રન-રેટ વધીને ૯૫.૯ લાખ થયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૯૧.૭ લાખ હતો.
એક તરફ સક્રિય રોકાણકારોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે, તો બીજી તરફ ઓક્ટોબર મહિનામાં રોકડ બજાર (કેશ માર્કેટ) ના ટર્નઓવરમાં થોડો ઘટાડો નોંધાયો છે અને તે નવેમ્બર ૨૦૨૫ પછીના સૌથી નીચલા સ્તરે એટલે કે ૧૦.૬ લાખ કરોડ રૂપિયા પર આવી ગયું છે. મહારાષ્ટ્ર અને ગુજરાત બંને અગ્રણી રાજ્યોમાં માસિક ટર્નઓવરમાં અનુક્રમે ૯.૯ ટકા અને ૯.૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તેમ છતાં, ભૌગોલિક ભાગીદારીની દ્રષ્ટિએ ટોચના દસ રાજ્યોમાં સક્રિય રોકાણકારોનો આંકડો જાન્યુઆરી ૨૦૨૬ પછી પ્રથમ વખત એક કરોડને વટાવી ગયો છે, જે દેશભરમાં શેરબજાર પ્રત્યે વધતા વ્યાપક આકર્ષણની સાક્ષી પૂરે છે.
