JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭ માટે લખનૌમાં ભવ્ય રોડ શો યોજાયો

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭ માટે લખનૌમાં ભવ્ય રોડ શો યોજાયો
આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭ના પ્રચારાર્થે ઉત્તર પ્રદેશના લખનૌમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બંને રાજ્યો વચ્ચેના આર્થિક સહયોગ અને રોકાણની તકોને વધુ મજબૂત બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

ગાંધીનગર ખાતે આગામી ૧૦ થી ૧૨ જાન્યુઆરી દરમિયાન મહાત્મા મંદિર ખાતે યોજાનારી ૧૧મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ૨૦૨૭ પહેલા ગુજરાત સરકાર દ્વારા રોકાણને પ્રોત્સાહન આપવા માટે દેશભરમાં વિશેષ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ કડીના ભાગરૂપે ઉત્તર પ્રદેશ સાથેના વેપારી અને આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે શુક્રવારે લખનૌમાં એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીના નેતૃત્વ હેઠળના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે આ સમિટમાં ભાગ લેવા માટે યુપીના અગ્રણી ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત પ્રતિનિધિમંડળ દ્વારા સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, ડિફેન્સ, એરોસ્પેસ, ફૂડ પ્રોસેસિંગ, ટેક્સટાઈલ, આઈટી, લોજિસ્ટિક્સ અને રિન્યુએબલ એનર્જી જેવા મુખ્ય ક્ષેત્રોમાં રહેલી વિપુલ રોકાણ તકોનું સચિત્ર પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. મંત્રી રમણ સોલંકીએ પોતાના સંબોધનમાં ગુજરાત અને ઉત્તર પ્રદેશની પૂરક શક્તિઓનો ઉલ્લેખ કરી બંને રાજ્યોએ સાથે મળીને આગળ વધવું જોઈએ તેમ જણાવ્યું હતું. ઉત્તર પ્રદેશના ઊર્જા અને નગર વિકાસ મંત્રી અરવિંદ કુમાર શર્માએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાત અને યુપી એકબીજાના સ્પર્ધક નહીં પરંતુ ભારતના વિકાસને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યને વેગ આપનારા પૂરક વિકાસ ઇંજન છે.

રોડ શો પહેલા ગુજરાતના પ્રતિનિધિમંડળે યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક અને મંત્રી અરવિંદ કુમાર શર્મા સાથે સત્તાવાર મુલાકાત કરીને તેમને સમિટમાં ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ આપ્યું હતું. આ ઉપરાંત, પ્રતિનિધિમંડળે યુપીના દિગ્ગજ ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજીને કેમિકલ્સ, એરોસ્પેસ, ડિફેન્સ અને હેલ્થકેર જેવા ક્ષેત્રોમાં સંભવિત ભાગીદારી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. લખનૌમાં રહેતા ગુજરાતી સમુદાયના અગ્રણીઓ સાથે પણ ખાસ બેઠક યોજવામાં આવી હતી, જેણે આ વૈશ્વિક વેપારી મહાકુંભમાં જોડાવા માટે ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES