જામનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ'નું સઘન આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન નાગરિકો દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોને લગતી અનેકવિધ સમસ્યાઓ રજૂ કરવામાં આવી હતી. કલેક્ટરે તમામ નાગરિકોની રજૂઆતોને અત્યંત ગંભીરતાથી સાંભળીને નિયમોનુસાર ત્વરિત કાર્યવાહી કરવા અને નિર્ધારિત સમયમર્યાદામાં પ્રશ્નોનો સંતોષકારક નિકાલ લાવવા સંબધિત વિભાગના અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી, જેના પરિણામે બેઠકમાં ઉપસ્થિત નાગરિકોના મહત્તમ પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ આવ્યો હતો.
આ બેઠકમાં જર્જરિત ઈમારતો દૂર કરવી, સૌની યોજનાની પાઈપલાઈનમાં વાલ્વ મૂકવો, જૂના માર્ગોને ડામર રોડમાં ફેરવવા, ખુલ્લી તથા ઉભરાતી ગટરોની સમસ્યાનું નિરાકરણ લાવવું, રોડ પર સ્પીડબ્રેકર અને રેલિંગની ઊંચાઈ ઘટાડવા જેવા માળખાકીય પ્રશ્નોની ચર્ચા થઈ હતી. આ ઉપરાંત ગૌચરની જમીનના દબાણો હટાવવા, કૂવા માટે જમીન ફાળવણી, નદી પરના પુલનું રિપેરીંગ, ખેતીની જમીનનું ધોવાણ અટકાવવા પ્રોટેક્શન વોલ બનાવી આપવી, જાહેર રસ્તા પરના દબાણો દૂર કરવા તથા મંજૂરી વગર વીજ વાયરો નાખવા અને નિયમિત પીવાનું પાણી પૂરું પાડવા સહિતના અનેક લોકપ્રશ્નો પર વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ અંગે ભાર મૂકતા કલેક્ટરે જણાવ્યું હતું કે, સામાન્ય માનવીના પ્રશ્નોનો પારદર્શક અને સંવેદનશીલ અભિગમ સાથે ઝડપી નિકાલ થાય તે આપણી સૌની મુખ્ય પ્રાથમિકતા છે. સ્વાગત કાર્યક્રમના માધ્યમથી અરજદારોને સીધો ન્યાય અને રાહત મળતી હોવાથી તમામ કચેરીઓએ પરસ્પર સંકલન સાધીને સક્રિયપણે કામ કરવું જોઈએ. આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, ઈ. પોલીસ અધિક્ષક સુશ્રી પ્રતિભા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી સહિત વિવિધ વિભાગોના પ્રાંત અધિકારીઓ, મામલતદારો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી સમગ્ર ચર્ચામાં સહભાગી બન્યા હતા.
