JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ઈન્ડિયન બેંકના રૂ. ૩૯.૪૮ લાખના સોનાની ચોરીના ગુનામાં મુખ્ય સહ-આરોપીના જામીન નામંજૂર

ઈન્ડિયન બેંકના રૂ. ૩૯.૪૮ લાખના સોનાની ચોરીના ગુનામાં મુખ્ય સહ-આરોપીના જામીન નામંજૂર
આરોપી પાસેથી રૂ. ૧૦ લાખ રોકડા રિકવર થયા હોવાની અને તેના વિરુદ્ધ ૧૨થી વધુ ગુના નોંધાયેલા હોવાની સરકારી વકીલની દલીલને જામનગર સેશન્સ કોર્ટે ગ્રાહ્ય રાખી

જામનગર શહેરના રણજીત સાગર રોડ પર આવેલી ઈન્ડિયન બેંકની શાખામાં ગ્રાહકોના અસલી સોનાના દાગીના બદલી નકલી દાગીના મૂકી દેવાના ચકચારી પ્રકરણમાં મુખ્ય સહ-આરોપી રમેશભાઈ ભીમજીભાઈ ઉર્ફે ભીમાભાઈ પરીયાની નિયમિત જામીન અરજી જામનગરની ૩જી એડિશનલ સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. આ કેસની વિગત મુજબ, ગત તા. ૨૭/૦૮/૨૦૨૬ના રોજ બેંકમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા સહ-આરોપીએ બ્રાન્ચ મેનેજરની ચેમ્બરમાંથી તિજોરીની ચાવી ચોરીને ગોલ્ડ લોન ગ્રાહકોના કુલ ૩૪૨.૧૦ ગ્રામ અસલી સોનાના દાગીના (કિંમત રૂ. ૩૯,૪૮,૯૧૪/-) ચોરી લીધા હતા અને તેની જગ્યાએ નકલી દાગીના મૂકી દીધા હતા. આ ચોરીનું સોનું વેચવા માટે આરોપી રમેશભાઈ પરીયાને આપવામાં આવ્યું હતું, જે અંગે સીટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ ૩૦૬ અને ૫૪ મુજબ ગુનો નોંધાયો હતો.

હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા આરોપી રમેશભાઈ પરીયાએ જામનગર સેશન્સ કોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી હતી. આ અરજીનો સખત વિરોધ કરતા જિલ્લા સરકારી વકીલ ધર્મેન્દ્ર એ. જીવરાજાનીએ કોર્ટમાં ધારદાર દલીલો કરી હતી કે, આરોપી વિરુદ્ધ પ્રથમદર્શી મજબૂત પુરાવાઓ છે અને તેણે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ચોરીના દાગીના વેચીને આર્થિક લાભ મેળવ્યો છે. તપાસ દરમિયાન તેની પાસેથી રૂ. ૧૦ લાખ રોકડા પણ રિકવર કરવામાં આવ્યા છે. વધુમાં, હાલ તપાસ ચાલુ છે, મહત્વના સાક્ષીઓના નિવેદનો અને એફએસએલ (FSL) રિપોર્ટ બાકી છે, તેમજ આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેના વિરુદ્ધ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ૧૨થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાથી જામીન આપવામાં આવે તો તે સાક્ષીઓને ધમકાવી શકે છે.

નામદાર ૩જી એડિશનલ સેશન્સ જજશ્રીએ સરકારી વકીલ ડી. એ. જીવરાજાનીની દલીલો તેમજ તપાસનીશ અધિકારી એએસઆઈ એન. કે. ઝાલાના સોગંદનામાને ગ્રાહ્ય રાખ્યા હતા. કોર્ટે અવલોકન કર્યું હતું કે આ ગુનો જાહેર જનતાના વિશ્વાસ અને બેંકમાં મૂકેલા સોનાની ચોરીનો ગંભીર ગુનો છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપી રમેશભાઈ ભીમજીભાઈ ઉર્ફે ભીમાભાઈ પરીયાની નિયમિત જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ ફરમાવ્યો છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES