તાજેતરમાં બેંગલુરુ ખાતે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કોકરોચ જનતા પાર્ટી (CJP) પર ગંભીર આક્ષેપો કર્યા હતા. મંત્રીએ દાવો કર્યો હતો કે પાર્ટીના નેતા આશુતોષ રાંકાએ પાકિસ્તાની રાજકારણીઓ અને હેન્ડલર્સ પાસેથી નાણાકીય ફંડ મેળવ્યું છે. આ વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકીય ગલિયારામાં ભારે હલચલ મચી ગઈ છે અને મામલો હવે કાનૂની લડાઈ સુધી પહોંચી ગયો છે.
પોતાની પ્રામાણિકતા અને દેશભક્તિ પર સવાલ ઉઠાવતા આ નિવેદનને અસ્વીકાર્ય ગણાવતા આશુતોષ રાંકાએ એડવોકેટ અભિક ચિમની મારફતે કેન્દ્રીય મંત્રીને કાનૂની માનહાનિની નોટિસ ફટકારી છે. આ નોટિસમાં મંત્રી પાસે બિનશરતી જાહેર માફી માંગવા અને પોતાના નિવેદનને પાછું ખેંચવા તેમજ ૩ કરોડ રૂપિયાના હરજાનાની માંગ કરવામાં આવી છે. રાંકાએ સ્પષ્ટ કર્યું છે કે વળતર તરીકે મળનારી આ રકમ ભારતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કાર્યરત કોઈ સદ્ભાવના સંસ્થાને દાનમાં આપવામાં આવશે.
નોટિસમાં કેન્દ્રીય મંત્રીને પડકાર ફેંકવામાં આવ્યો છે કે તેઓ આથક વ્યવહારોના કોઈ પુરાવા રજૂ કરે. રાંકાએ જણાવ્યું કે મેકકિન્સે અને ગાવી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથેના તેમના વ્યવસાયિક સંબંધો સંપૂર્ણપણે પારદર્શક છે અને ભારતીય કાયદાકીય નિયમોને આધીન છે. તેમણે પોતાની મહેનત અને શૈક્ષણિક લાયકાતના બળે દેશની સેવા કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને વિદેશી ફંડિંગના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
