ભારતની આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાને સ્પર્શતો જામનગર જિલ્લો દેશની સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. અહીં રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા અનેક મહત્ત્વપૂર્ણ સ્થાનો આવેલા છે, જેમાં મિલિટરી સ્ટેશન, એરફોર્સ સ્ટેશન (જામનગર અને સમાણા), આઈએનએસ વાલસુરા, એશિયાની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી, સિક્કા સ્થિત થર્મલ પાવર સ્ટેશન અને જી.એસ.એફ.સી. જેવા વિશાળ ઔદ્યોગિક એકમોનો સમાવેશ થાય છે. આ તમામ વાઈટલ ઈન્સ્ટોલેશન્સની સુરક્ષા સુનિશ્ચિત કરવી દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે અનિવાર્ય છે.
આ સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. જામનગર જિલ્લા વિસ્તારમાં આવેલા કુલ ૧૫૪ ક્રિટીકલ અને સ્ટ્રેટેજીકલ મહત્ત્વ ધરાવતા ઇન્સ્ટોલેશન્સને સુરક્ષાના હેતુસર રેડ ઝોન અને યલો ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિમલ ચૌધરી દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, આ સંવેદનશીલ ક્ષેત્રો પૈકી ૧૧૨ સ્થાનોને રેડ ઝોન જ્યારે ૪૨ સ્થાનોને યલો ઝોન તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જ્યાં કોઈપણ પ્રકારની હવાઈ ગતિવિધિ પર ચાંપતી નજર રાખવામાં આવશે.
આ ગંભીર સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા સહિત સમગ્ર જિલ્લાના નિર્ધારિત રેડ અને યલો ઝોન વિસ્તારોમાં ડ્રોન કે અન્ય માનવરહિત એરિયલ વ્હીકલ ઉડાવવા પર સદંતર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા જારી કરાયેલું આ જાહેરનામું આગામી તારીખ ૨૪-૧-૨૦૨૭ સુધી અમલમાં રહેશે. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કાયદેસરની કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
