જામનગર શહેરના વ્યસ્ત ગણાતા નાગનાથ ગેટ વિસ્તારમાં આવેલી લોકપ્રિય સુરેશ ફરસાણ એન્ડ સ્વીટમાંથી ખરીદવામાં આવેલા ચવાણાના પેકેટમાંથી તળાયેલી હાલતમાં મૃત ગરોળી મળી આવવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, એક ગ્રાહક આ દુકાનમાંથી ચવાણાનું પેકેટ ખરીદીને ઘરે લઈ ગયા હતા અને પરિવાર દ્વારા અડધું પેકેટ ખાધા પછી પેકિંગની અંદર અણધારી રીતે તળાયેલી ગરોળી નજરે પડી હતી. આ દ્રશ્ય જોઈને પરિવારના હોશ ઉડી ગયા હતા અને ગ્રાહકે તાત્કાલિક જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાનો સંપર્ક કરી રૂબરૂ ફરિયાદ નોંધાવી હતી. લોક આરોગ્ય સાથે ચેડાં કરતી આ ઘટનાથી શહેરીજનોમાં ભારે રોષ અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ફરિયાદ મળતાની સાથે જ ફૂડ શાખાના મુખ્ય અધિકારી નિલેશ પી. જાસોલિયા અને તેમની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને દુકાન તેમજ તેના રસોડામાં સઘન તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન રસોડામાં ફરસાણ બનાવવા માટે વપરાતું બિનઆરોગ્યપ્રદ અને ખરાબ તેલ પણ મળી આવ્યું હતું, જેના નમૂનારી લેવાની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત, રસોડાની બારીઓ ખુલ્લી હોવાથી તેમાં સરળતાથી જીવજંતુઓ પ્રવેશી શકે તેવી ગંભીર બેદરકારી પણ સામે આવી હતી. અગાઉ ગત ૧૩ ઓક્ટોબરે પણ આ જ પેઢીની મુલાકાત લઈને સ્વચ્છતાના ધોરણો બાબતે પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હોવા છતાં સંચાલકો દ્વારા કોઈ જ સુધારો કરવામાં આવ્યો ન હોવાનું સ્પષ્ટ થયું હતું.
ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે સીધા ખેલવા સામે કડક રૂખ અપનાવતા મનપાની ફૂડ શાખાએ તાત્કાલિક અસરથી સુરેશ ફરસાણ એન્ડ સ્વીટની દુકાનને ત્રણ દિવસ માટે બંધ કરાવી દીધી છે. અધિકારીઓએ સ્પષ્ટ સૂચના આપી છે કે રસોડામાં જાળી બેસાડવી તથા સ્વચ્છતાના તમામ નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. હવે તમામ જરૂરી સુધારાઓ પૂર્ણ કર્યા બાદ, સંબંધિત દસ્તાવેજો રજૂ કરીને ફૂડ શાખાની વિશેષ મંજૂરી મેળવ્યા પછી જ આ પેઢી ફરીથી વેપાર શરૂ કરી શકશે. અગાઉ દંડ ભર્યા છતાં સુધારો ન કરનાર વેપારીઓ સામે તંત્ર દ્વારા લેવાયેલા આ લાલ આંખના પગલાંથી અન્ન અને ખાદ્ય ચીજવસ્તુઓ વેચતા અન્ય વ્યાપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
