જામનગર તાલુકાના ફલ્લા તેમજ જોડીયા તાલુકાના બેરાજા અને વાવડી ગામને જોડતો ધમધમતો મુખ્ય રસ્તો હાલમાં અત્યંત ખખડધજ અને દયનીય હાલતમાં મુકાઈ ગયો છે. આ માર્ગની આસપાસ આવેલા આશરે ૮ થી ૧૦ જેટલા ગામડાના રહીશો માટે ધ્રોલ અને જામનગર શહેર તરફ આવવા-જવા માટેનો આ એકમાત્ર મુખ્ય આધાર છે. સતત ભારે વાહનોની અવર-જવર અને લાંબા સમયથી યોગ્ય જાળવણીના અભાવે આ રોડ પર મોટા મસમોટા ખાડા પડી ગયા છે, જેના કારણે સામાન્ય પ્રવાસીઓથી લઈને વાહનચાલકો માટે અહીંથી પસાર થવું જોખમી સાબિત થઈ રહ્યું છે.
આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના જામનગર જિલ્લા પ્રમુખ અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વશરામભાઈ એન. રાઠોડે જિલ્લા વિકાસ અધિકારીને સત્તાવાર લેખિત પત્ર પાઠવ્યો છે. આ પત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે આ રસ્તા પર રહેતા ભારે ટ્રાફિકના ભારણને કારણે રોજબરોજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ, ખેતપેદાશો લઈને જતા અન્નદાતા ખેડૂતો, પશુપાલકો અને નોકરીયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખરાબ રસ્તાના કારણે વારંવાર સર્જાતા ટ્રાફિકજામને લીધે ઇમરજન્સી સેવાઓ માટે આવતી એમ્બ્યુલન્સ પણ ફસાઈ જાય છે, જેનાથી દર્દીઓની મુશ્કેલીઓમાં વધારો થાય છે.
ગ્રામજનોની આ રોજિંદી હાલાકી અને સલામતીને સર્વોપરી ગણીને વશરામભાઈ રાઠોડે પ્રશાસન સમક્ષ માંગ કરી છે કે આ રસ્તાનું માત્ર પેચવર્ક કે સામાન્ય મરામત કરવાના બદલે તેને પ્રાથમિકતાના ધોરણે ૫.૫ મીટર જેટલો પહોળો (વાઈડનિંગ) કરવામાં આવે. જો વહેલી તકે આ માર્ગના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો સ્થાનિક જનતામાં રોષ ભભૂકી શકે છે અને આગામી દિવસોમાં વ્યાપક લોકઆંદોલન પણ થઈ શકે છે, તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.
