JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
શિક્ષણ

જામનગરમાં વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા અંતર્ગત શાળા ફાળવણી કેમ્પનો ઉત્સાહભેર પ્રારંભ

જામનગરમાં વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા અંતર્ગત શાળા ફાળવણી કેમ્પનો ઉત્સાહભેર પ્રારંભ
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જામનગરની નેશનલ હાઈસ્કૂલ ખાતે ધોરણ ૧ થી ૫ ના ૩૨૫ ઉમેદવારો માટે વિશેષ શાળા ફાળવણી કેમ્પ યોજાયો હતો. આ ભરતી પ્રક્રિયાને સંપૂર્ણપણે પારદર્શક રાખવા માટે ઓનલાઈન પોર્ટલ પર લાઈવ વ્યવસ્થા કરવાની સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની ઉત્તમ કામગીરી કરવામાં આવી છે.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી 'વિદ્યાસહાયક ભરતી-2026' અંતર્ગત જામનગર શહેરમાં એક મહત્વપૂર્ણ ભરતી કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરની નામાંકિત નેશનલ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા આ કેમ્પમાં ધોરણ 1 થી 5 માં સેવા આપવા માટે પસંદ થયેલા કુલ 325 ઉમેદવારોને જિલ્લામાં શાળાઓ ફાળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ કેમ્પને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને યોગ્ય શાળા પસંદ કરવા માટે તેઓ સમયસર ઉપસ્થિત રહ્યા હતા.

ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે અને ઉમેદવારોને કોઈપણ પ્રકારની અડચણ ન નડે તે માટે તંત્ર દ્વારા અત્યાધુનિક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. કેમ્પ દરમિયાન ઉમેદવારોના અસલ દસ્તાવેજોની ચકાસણી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે વિશેષ રૂમ ફાળવવામાં આવ્યા છે, જ્યાં 50-50 ઉમેદવારોના સ્લોટ પાડીને વ્યવસ્થિત રીતે કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, ઉમેદવારો અને તેમના પરિવારજનો ઘર બેઠા જ શાળાઓની પસંદગી તેમજ ખાલી જગ્યાઓની સ્થિતિ પારદર્શક રીતે જોઈ શકે તે માટે વિશેષ ઓનલાઈન પોર્ટલ પણ લાઈવ રાખવામાં આવ્યું છે.

આ સમગ્ર આયોજન અંગે માહિતી આપતા જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ જણાવ્યું હતું કે વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ સમિતિના માર્ગદર્શન હેઠળ આ કેમ્પ અત્યંત સુચારુ રૂપે ચાલી રહ્યો છે. કેમ્પ સ્થળે અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે પીજીવીસીએલ (PGVCL) ની ટીમ તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા પણ પૂરતો સહયોગ આપવામાં આવ્યો છે, જેનાથી સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સફળ રહી છે.

શિક્ષણ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES