અત્યાર સુધી આપણે પૃથ્વીની ધરતી પર જ મોટા-મોટા ડેટા સેન્ટરો જોયા છે જે ઇન્ટરનેટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવી અત્યાધુનિક તકનીકોને સંચાલિત કરે છે. પરંતુ ટેક્નોલોજીના ક્ષેત્રમાં હવે એક નવો જ યુગ શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં પૃથ્વીની સીમાઓ વટાવીને અવકાશમાં ડેટા સેન્ટર બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ટેકનોલોજી જગતના દિગ્ગજ અને વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઈલોન મસ્કની પ્રખ્યાત કંપની સ્પેસએક્સે આ અશક્ય લાગતી કલ્પનાને સાકાર કરવા તરફ એક મોટું પગલું ભીડ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સના ફેડરલ કોમ્યુનિકેશન કમિશને (FCC) સ્પેસએક્સને આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે સત્તાવાર મંજૂરી આપી દીધી છે, જે ભવિષ્યની ડિજિટલ દુનિયાનો પાયો નાખશે.
આ ભવિષ્યવાદી પ્રોજેક્ટનું નામ 'સ્ટારમાઇન્ડ' રાખવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ અવકાશમાં જ ડેટા પ્રોસેસિંગ કરવાનો અને પૃથ્વી પરના AI સંબંધિત કાર્યો માટે અઢળક કમ્પ્યુટિંગ પાવર પૂરો પાડવાનો છે. આ યોજના અંતર્ગત અવકાશમાં તૈનાત થનારા એક મિલિયન ઉપગ્રહોમાં અત્યંત શક્તિશાળી કમ્પ્યુટર સિસ્ટમ્સ ફીટ કરવામાં આવશે. આ તમામ સેટેલાઇટ્સ ઓપ્ટિકલ લિંક્સના માધ્યમથી પરસ્પર જોડાયેલા રહેશે અને ડેટાની આપ-લે કરશે. ત્યારબાદ સમગ્ર પ્રક્રિયા બાદનો ડેટા પૃથ્વી પર ટ્રાન્સમિટ કરવામાં આવશે. સ્પેસએક્સના મતે, અવકાશમાં સ્થાપિત થનાર આ ડેટા સેન્ટરોને અવિરત સૌર ઊર્જા પ્રાપ્ત થતી રહેશે, જેના કારણે પૃથ્વી પરના પરંપરાગત ડેટા સેન્ટરો પર વીજળી અને કૂલિંગની જરૂરિયાતોનું ભારે દબાણ નોંધપાત્ર રીતે ઘટી જશે.
આ વિશાળ પ્રોજેક્ટના અમલીકરણ માટેનું સમયપત્રક પણ નક્કી કરી દેવામાં આવ્યું છે, જેમાં નવેમ્બર ૨૦૩૩ સુધીમાં કંપનીએ પોતાનો પહેલો ઉપગ્રહ અવકાશમાં સફળતાપૂર્વક મોકલવાનો રહેશે અને ત્યારબાદ તબક્કાવાર રીતે નેટવર્કનો વ્યાપ વધારીને નવેમ્બર ૨૦૪૦ સુધીમાં તમામ એક મિલિયન સેટેલાઇટ્સ સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જોકે, વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોમાં આ યોજનાને લઈને મિશ્ર પ્રતિભાવો જોવા મળી રહ્યા છે. કેટલાક નિષ્ણાતો આટલા મોટા પાયે સેટેલાઇટ નેટવર્ક ઊભું કરવાથી ભવિષ્યમાં અવકાશ સંશોધન અને પર્યાવરણ પર પડનારી અસરો સામે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, તો વળી ટેક્નોલોજીની દૃષ્ટિએ આ એક અત્યંત ખર્ચાળ અને જટિલ પડકાર પણ સાબિત થઈ શકે છે.
