JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

સોળ વર્ષમાં ભારતની પ્રતિ વ્યક્તિ જીડીપી થઈ બમણી, વૈશ્વિક અર્થતંત્રમાં ભારત અને ચીન મોખરે

સોળ વર્ષમાં ભારતની પ્રતિ વ્યક્તિ જીડીપી થઈ બમણી, વૈશ્વિક અર્થતંત્રમાં ભારત અને ચીન મોખરે
આંતરરાષ્ટ્રીય નાણાભંડોળના અહેવાલ મુજબ છેલ્લા સોળ વર્ષમાં ભારતની પ્રતિ વ્યક્તિ જીડીપી બમણી થઈને 2,750 ડોલર સુધી પહોંચી છે. જોકે, આ ઝડપી વિકાસ છતાં ભારત ચીન અને અન્ય એશિયન દેશોની સરખામણીમાં હજુ પાછળ છે.

વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે ભારતે પોતાની સ્થિતિ મજબૂત કરી છે, ત્યારે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (IMF) દ્વારા રજૂ કરાયેલા તુલનાત્મક અભ્યાસમાં મહત્ત્વના ખુલાસા થયા છે. વર્ષ 2010થી 2026 દરમિયાન ભારતની પ્રતિ વ્યક્તિ જીડીપી 1,348 ડોલર વધીને 2,750 ડોલર થઈ ગઈ છે, જે અર્થતંત્રની મજબૂત ગતિ દર્શાવે છે. આ જ સમયગાળામાં ચીનની પ્રતિ વ્યક્તિ જીડીપી ત્રણ ગણી વધીને 15,771 ડોલર પર પહોંચી છે. વૈશ્વિક અર્થતંત્રને વેગ આપવામાં હાલ ભારત અને ચીન મુખ્ય ઈંધણ પૂરું પાડી રહ્યા છે, પરંતુ પ્રતિ વ્યક્તિ આવકના મામલે ભારત હજુ ચીનથી ઘણું પાછળ છે અને ચીને વર્ષ 2007માં જ આજના ભારત જેવો આર્થિક મુકામ હાંસલ કરી લીધો હતો.

ચીનની આર્થિક પ્રગતિનો મુખ્ય આધાર ઉદ્યોગ-ઉત્પાદન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ અને વૈશ્વિક સ્તરે નિકાસકાર બનવા પર રહેલો છે, જ્યારે ભારતની જીડીપીને આગળ વધારવામાં સર્વિસ સેક્ટર અને આંતરિક વપરાશની મોટી ભૂમિકા છે. ભારતીય અર્થતંત્રમાં આંતરિક વપરાશનો ફાળો 61.5% જેટલો છે અને વિશાળ વસ્તી આમાં સૌથી મોટું પરિબળ સાબિત થઈ રહી છે. ખાસ કરીને આઈટી, નાણાકીય સેવાઓ અને પ્રોફેશનલ સર્વિસિસની નિકાસમાં ભારતનું પ્રભુત્વ રહ્યું છે. બીજી તરફ, ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ, ફાર્મસી અને ટેક્સટાઈલ જેવા રોજગારી સર્જતા ક્ષેત્રો ખાનગી ક્ષેત્રના સહારે આગળ વધી રહ્યા છે, જ્યારે રોડ, વીજળી અને રેલવે જેવા લોજિસ્ટિક્સ ક્ષેત્રોમાં હજુ ઘણું કામ બાકી છે જે મોટે ભાગે સરકારી ખર્ચ પર આધારિત છે.

વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું હોય તો પ્રતિ વ્યક્તિ આવકમાં મોટો વધારો કરવો અનિવાર્ય છે. આ માટે દેશનો આર્થિક વિકાસ દર સતત 9% કે તેથી વધુ જાળવી રાખવો પડશે અને સરેરાશ મોંઘવારી દર 4% આસપાસ રાખવો હિતાવહ રહેશે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારોમાં નિકાસ વધારવાની સાથે અમેરિકી ડોલર સામે રૂપિયામાં દર વર્ષે થતો ઘટાડો અટકાવવો પણ એટલો જ જરૂરી છે. વિયેટનામ જેવા દેશો સાથે પણ સ્પર્ધા વધી રહી છે ત્યારે ડિજિટલ અર્થવ્યવસ્થામાં અગ્રણી બનેલા ભારતે સર્વાંગી વિકાસ માટે સુગ્રથિત રણનીતિ અપનાવવી પડશે.

બિઝનેસ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES