ગુજરાતના હીરા અને ટેક્સટાઈલ હબ ગણાતા સુરત તેમજ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આવકવેરા વિભાગે એક મોટું ઓપરેશન હાથ ધરીને ખળભળાટ મચાવી દીધો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જાણીતી કંપનીઓ અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ઇન્કમ ટેક્સ વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ (DDI) દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. આ બંને શહેરોમાં વ્યાપેલા બિઝનેસ નેટવર્કને ધ્યાનમાં રાખીને કરચોરી કે બેનામી વ્યવહારોની આશંકાએ આ સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે, જેને લઈને વેપારી આલમમાં પણ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
આ મેગા સર્ચ ઓપરેશન માત્ર કંપનીના વ્યાપારીક એકમો પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેના મુખ્ય ડિરેક્ટરો અને સંચાલકોના નિવાસ્થાનો તેમજ ઓફિસો પર પણ એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે. આવકવેરા વિભાગના અધિકારીઓ અને વિશેષ નિષ્ણાતોની ટીમો દ્વારા સ્થળ પર ઉપલબ્ધ હાર્ડ કોપી દસ્તાવેજો, બુક્સ ઓફ એકાઉન્ટ્સ અને ડિજિટલ ડેટાની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી રહી છે. બેંક ખાતાઓની વિગતો અને શંકાસ્પદ વ્યવહારોને ટ્રેક કરવા માટે ટેકનિકલ ટીમની પણ મદદ લેવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.
સુરત અને મુંબઈના જુદા જુદા સ્થળો પર એકસાથે ચાલી રહેલી આ કાર્યવાહીને કારણે કરચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. DDI વિંગની આ સંયુક્ત તપાસ પૂર્ણ થયા બાદ મોટા પાયે નાણાકીય ગેરરીતિઓ કે કરચોરી બહાર આવે તેવી પ્રબળ સંભાવના છે. હાલ તો આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરાયેલા રેકોર્ડ અને ડિજિટલ પુરાવાઓના આધારે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, અને આગામી દિવસોમાં આ મામલે વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
