મોરબીના વિરપર ખાતે કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા સંચાલિત ભવ્યાતિભવ્ય ઉમા સંસ્કારધામનો દ્વિતીય પાટોત્સવ અત્યંત ઉત્સાહ અને દિવ્ય વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે ધાર્મિક અનુષ્ઠાનરૂપે ૧૧ કુંડી જપ તપ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ આહૂતિ આપી હતી. આ ઉપરાંત, નવેમ્બર-૨૦૨૫ થી નવેમ્બર-૨૦૨૬ સુધીના સમયગાળામાં સરકારી તલાટીથી લઈને ક્લાસ-૧ સુધીની ઉચ્ચ સરકારી નોકરી મેળવનાર, ગ્રેજ્યુએશનથી પી.જી. માસ્ટર ડિગ્રી મેળવનાર તેમજ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વિશિષ્ટ સિદ્ધિ હાસ્ય કરનાર કુલ ૨૬૦ જેટલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. બપોરના સત્રમાં ભચાઉ-કચ્છ આશ્રમના સંન્યાસીની આત્માનંદજી દ્વારા સત્સંગ યોજાયો હતો, જ્યારે નવા નિર્મિત વિરપર-લીલાપર રોડ પર અજંતા-ઓરેવા ગ્રુપના સૌજન્યથી નિર્મિત 'ઓ.આર. પટેલ માર્ગ' સર્કલ પર સ્વ. ઓ.આર. પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
સંધ્યાકાળે યોજાયેલા ભવ્ય સ્નેહમિલન સમારોહમાં સંસ્થા દ્વારા વર્ષભર ચલાવવામાં આવતા લોકઉપયોગી સેવાકીય પ્રકલ્પોની વિસ્તૃત વિગતો રજૂ કરવામાં આવી હતી. સંસ્થાના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા 'ઉમા આદર્શ લગ્ન' અભિયાને પ્રથમ વર્ષે જ ૫૫૦ જેટલા લગ્નોની ભવ્ય સફળતા મેળવી છે, જેની પ્રેરણાથી હવે અન્ય જિલ્લાઓમાં પણ આ જ પેટર્ન અપનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત ૩૬ એસી રૂમ ધરાવતું ગેસ્ટ હાઉસ, રાહત દરે દવા આપતો મેડિકલ સ્ટોર, લેબોરેટરી, ક્લિનિક, કોરોના કાળમાં બે હજાર દર્દીઓની સેવા, અમદાવાદ ખાતે ૧૪૦ દીકરીઓ માટેની આધુનિક હોસ્ટેલ તેમજ આગામી સમયમાં ૭૦૦ વિદ્યાર્થીઓ માટે નિર્માણાધીન છાત્રાલય જેવા પ્રકલ્પોની માહિતી આપવામાં આવી હતી. પાટીદાર કેરિયર એકેડમી અને વિવિધ તાલીમ કેન્દ્રો દ્વારા હજારો યુવાવર્ગને રોજગારી અને કૌશલ્યવર્ધનની તાલીમ આપવામાં આવી રહી છે, તેમજ ૭,૦૦૦ જેટલી સર્વ સમાજની દીકરીઓ અહીં અભ્યાસ કરી રહી છે તે ગર્વની વાત છે. આ પ્રસંગે સંસ્થાની પ્રવૃત્તિઓ વર્ણવતો 'ઉમા સંસ્કાર દર્શન' ત્રિમાસિક અંક પણ લોન્ચ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ પરષોત્તમ રૂપાલા અને મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા તેમજ જયસુખભાઈ પટેલ અને બ્રિજેશભાઈ મેરજા સહિતના અગ્રણીઓએ સંસ્થાની સેવોને મુક્તકંઠે બિરદાવી હતી. આ તમામ સેવાકીય પ્રવૃત્તિઓ અને લોકકલ્યાણના કાર્યો પાછળ આર્થિક સહયોગ પૂરો પાડનાર અંદાજે ૨૫૦ જેટલા દિલેર દાતાઓનું મહાનુભાવોના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર શૈલેષ સગપરીયાએ પોતાના પ્રવચનમાં સંસ્થાના પ્રકલ્પો અને વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની અનિવાર્ય જરૂરિયાત પર સુંદર પ્રકાશ પાડ્યો હતો. મોરબી જિલ્લાભરમાંથી આવેલા પાટીદાર પરિવારના શ્રેષ્ઠીઓ અને સિરામિક એસોસિએશનના આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમના અંતે જયસુખભાઈ પટેલના સૌજન્યથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓની ભારે જહેમતથી ભવ્ય સફળતા મળી હતી.
