JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ: ગુજરાતના અર્થતંત્રને રૂા.40,000 કરોડનો ભવ્ય વેગ મળશે

ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ: ગુજરાતના અર્થતંત્રને રૂા.40,000 કરોડનો ભવ્ય વેગ મળશે
લગ્ન પ્રસંગો હવે અંગત અને પ્રીમિયમ બની રહ્યા છે ત્યારે ડેસ્ટિનેશન વેડિંગ અને ભવ્ય ઉજવણીના કારણે ચાલુ લગ્નસરાની મોસમમાં એકલા ગુજરાતમાં જ રૂા.40,000 કરોડથી વધુનો આર્થિક વ્યાપ થવાની સંભાવના છે.

વર્તમાન લગ્નસરાની મોસમમાં પરંપરાગત રીતિ-રિવાજોની સાથોસાથ ભવ્યતા અને અનોખા અનુભવોનું ચલણ જોરશોરથી વધી રહ્યું છે. હવે વિશાળ જનમેદની એકત્ર કરવાને બદલે માત્ર 100 થી 200 ખાસ મહેમાનોની હાજરીમાં અંગત અને યાદગાર પ્રીમિયમ ડેસ્ટિનેશન વેડિંગ યોજવાનો ટ્રેન્ડ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. રાજસ્થાનના શાહી મહેલો ઉપરાંત હવે ગુજરાતનું 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' (SoU) પણ ભવ્ય લગ્નો માટે એક અગ્રણી ડેસ્ટિનેશન તરીકે ઉભરી રહ્યું છે, જ્યાં માત્ર નવેમ્બર-ડિસેમ્બરની સીઝનમાં જ આશરે 30 જેટલા લગ્નોનું બુકિંગ થઈ ચૂક્યું છે. આ સાથે વારાણસી અને ઋષિકેશ જેવા પવિત્ર સ્થળો પણ પસંદગીની યાદીમાં મોખરે છે, જ્યારે રાજસ્થાનના ઉદયપુર, જયપુર અને જેસલમેર જેવા શહેરોમાં યોજાતા લગ્નોમાં એક મોટો હિસ્સો ગુજરાતી પરિવારોનો રહે છે.

લગ્નોની આ ઉજવણી પાછળ થતો ખર્ચ નવા શિખરો સર કરી રહ્યો છે જેમાં કેટરિંગ, આકર્ષક થીમ આધારિત ડેકોરેશન અને સંગીત સંધ્યાના ભવ્ય આયોજનો મુખ્ય છે. પ્રતિ પ્લેટ ખર્ચ રૂા. 2,500થી શરૂ થઈને પ્રીમિયમ મેનુ માટે રૂા. 15,000 સુધી પહોંચી જાય છે, જ્યારે માત્ર થીમ આધારિત ડેકોરેશન પાછળ જ રૂા. 30થી 50 લાખનો ખર્ચ થાય છે જેને લીધે એક સામાન્ય ફંક્શનનું બજેટ પણ આસાનીથી એક કરોડ રૂપિયાને વટાવી જાય છે. બીજી તરફ, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ઓછા મુહૂર્તો હોવાને કારણે આયોજકો સમક્ષ પડકારો પણ ઊભા થયા છે અને મોંઘા કાચા માલ તેમજ કારીગરોની અછતના લીધે સંચાલન ખર્ચમાં 20થી 25 ટકાનો વધારો નોંધાયો છે. તેમ છતાં, મનોરંજન ક્ષેત્ર અને બોલિવૂડ કલાકારોના પર્ફોર્મન્સ પ્રત્યેનો ઉત્સાહ જળવાઈ રહ્યો છે, જ્યાં સેલિબ્રિટીઝની એક રાતની ફી રૂા. 20 લાખથી શરૂ થઈને રૂા. 1 કરોડ સુધી ચૂકવવામાં આવે છે.

વેડિંગ ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોના અંદાજ અનુસાર, નવેમ્બરથી જાન્યુઆરી સુધીની આ સિઝનમાં માત્ર ગુજરાતના અર્થતંત્રમાં જ લગ્ન સંબંધિત વ્યવહારો અને ખર્ચનો આંકડો અંદાજે રૂા. 40,000 કરોડના સ્તરે પહોંચી જશે. સોના-ચાંદીની ખરીદીથી લઈને હોટલ બુકિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ, કેટરિંગ અને પરિવહન જેવા અનેક સહાયક ઉદ્યોગોને આ મહા-આયોજનોથી સીધો અને મોટો આર્થિક લાભ મળી રહ્યો છે. ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં યોજાતા ગુજરાતી પરિવારોના ડેસ્ટિનેશન વેડિંગનું રાષ્ટ્રીય બજાર પણ આના કરતાં અનેકગણું વિશાળ છે, જે એકંદરે સમગ્ર દેશના વેડિંગ ઇન્ડસ્ટ્રી અને સ્થાનિક રોજગારી માટે અત્યંત આશાસ્પદ અને તેજીનો માહોલ સર્જી રહ્યો છે.

બિઝનેસ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES