અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અને ધોળકિયા ફાઉન્ડેશન સાથે સંકળાયેલી ગૌચરની જમીન પરના કથિત દબાણોનો વિવાદ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ગામની ગૌચર જમીન સર્વે નંબર 140/1/અ અને 140/બ ને દબાણ મુક્ત કરાવવાની માંગ સાથે લાંબા સમયથી લડત ચલાવવામાં આવી રહી છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયા અને સ્થાનિક પશુપાલકોના આક્ષેપ મુજબ, ધોળકિયા પરિવાર દ્વારા સરકારી ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે એટલું જ નહીં પરંતુ મૂગા પશુઓને પાણી પીવા જવાના રસ્તા પર પણ જાળીઓ લગાવીને અવરોધ ઊભો કરવામાં આવ્યો છે. આ ગંભીર મુદ્દે અગાઉ પણ લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડી હતી.
આ વિવાદ વધુ ઉગ્ર બને તે પહેલાં જ આરટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયા અને ગ્રામસ્થોએ અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ સાથે પ્રત્યક્ષ મુલાકાત કરીને વિસ્તૃત રજૂઆત કરી હતી. કલેક્ટર સમક્ષ પશુઓની મુશ્કેલીઓ અને ગૌચર જમીનની વાસ્તવિક સ્થિતિ અંગે રજૂઆત સાંભળ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરે આગામી ૧૦ થી ૧૨ દિવસની અંદર વિવાદિત જમીનની સત્તાવાર માપણી કરાવીને દબાણોની સ્પષ્ટ ઓળખ કરવાની અને ત્યારબાદ લેન્ડ ગ્રેબિંગ સહિતની કાયદાકીય જોગવાઈઓ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવાની ખાતરી આપી છે. વહીવટી તંત્ર દ્વારા યોગ્ય ન્યાયની આશા બંધાતા પશુપાલકો અને આંદોલનકારોએ હાલ પૂરતું અર્ધનગ્ન અવસ્થામાં ધરણા કે આંદોલન કરવાનો કાર્યક્રમ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે.
દરમિયાન, આ સમગ્ર પ્રકરણમાં તંત્રની કામગીરી અને વચન પર ગ્રામજનોની ચાંપતી નજર રહેશે તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે. નાથાલાલ સુખડિયાએ મીડિયા સમક્ષ ચીમકી ઉચ્ચારી છે કે જો નિર્ધારિત ૧૦ થી ૧૨ દિવસના સમયગાળામાં તંત્ર દ્વારા દબાણ હટાવવા અંગે કોઈ નક્કર અને સંતોષકારક પગલાં નહીં ભરાય, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. આ સાથે જ જો જરૂર પડશે તો ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં પણ અચકાશે નહીં તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. હાલ તો કલેક્ટરના આશ્વાસનને પગલે તંત્ર અને ગ્રામજનો વચ્ચે રાહતનો શ્વાસ લેવાયો છે, પરંતુ આગામી દિવસોમાં તંત્રની કાર્યવાહી પર સૌની મીટ રહેશે.
