કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના આંકડા મુજબ ગુરુવારે દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 224 પર સ્થિર થયો હતો, જે 'ખરાબ' શ્રેણી દર્શાવે છે. શહેરના 55 નિરીક્ષણ કેન્દ્રોમાંથી 40 કેન્દ્રો પર હવાની સ્થિતિ 'ખરાબ', 14 કેન્દ્રો પર 'મધ્યમ' અને આઈટીઓ (ITO) સ્ટેશન પર 'ખૂબ જ ખરાબ' નોંધાઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી 220 થી 227 ની વચ્ચે ઘૂમરી ખાતો AQI એ વાતનો પુરાવો છે કે પ્રદૂષણનું સ્તર નીચું આવવાનું નામ નથી લઈ રહ્યું, જેના કારણે નાગરિકોને શ્વાસ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પ્રદૂષણ પાછળના મુખ્ય કારણોની વાત કરીએ તો, વાહનો અને ઉદ્યોગોના ધુમાડાથી વાતાવરણમાં બનતા સેકન્ડરી ઓર્ગેનિક એરોસોલ્સ 24.8 ટકા સાથે પ્રદૂષણમાં સૌથી મોટો ફાળો આપી રહ્યા છે. આ ઉપરાંત, વાહનોના ધુમાડાથી 20.6 ટકા, બાયોમાસ સળગાવવાથી 19.7 ટકા અને કચરો તથા સેકન્ડરી અકાર્બનિક પ્રદૂષકો પણ હવાને ઝેરી બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ધોરણો મુજબ શૂન્યથી 50 સારો અને 201 થી 300 સુધીનો AQI 'ખરાબ' ગણવામાં આવે છે, જે હાલમાં દિલ્હીની વાસ્તવિક સ્થિતિ બની ગઈ છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ની અર્લી વોર્નિંગ સિસ્ટમે આગાહી કરી છે કે 28 થી 29 નવેમ્બર દરમિયાન દિલ્હીની હવાની ગુણવત્તા વધુ બગડીને 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં પહોંચી જશે. હવામાં પ્રદૂષકના કણો ફેલાવાની ક્ષમતા દર્શાવતી મિક્સિંગ ડેપ્થ અને વેન્ટિલેશન ઇન્ડેક્સ પણ પ્રતિકૂળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે 10 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી ઝડપના પવનો પ્રદૂષણને જમીનની સપાટીની આસપાસ જ જમા કરી રહ્યા છે. આગામી દિવસોમાં રાહત મળવાના કોઈ એંધાણ દેખાતા નથી, ત્યારે પ્રદૂષણ નિયંત્રણ માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠી રહી છે.
