પેન્શન ફંડ રેગ્યુલેટર એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તથા લીડ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે મોરબીની ધ ફર્ન રેસીડેન્સી ખાતે એનપીએસ સંચય આઉટરીચ પ્રોગ્રામનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના પસંદગીના ષષ્ઠ જિલ્લાઓમાં યોજા રહેલા આ વિશેષ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતો, ખેડૂત ઉત્પાદક સંગઠનો, ગ્રામ્ય ઉદ્યોગકારો, નાના વ્યવસાયકારો, શ્રમિકો અને અસંગઠિત ક્ષેત્રના નાગરિકોને રાષ્ટ્રીય પેન્શન યોજના સાથે જોડીને તેમને ભવિષ્ય માટે નાણાકીય સુરક્ષા પ્રદાન કરવાનો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મોરબી લીડ બેંક મેનેજર દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું, જ્યારે રાજકોટ લીડ બેંક મેનેજરે આભારવિધિ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીના ડીજીએમ વીણાબેન શાહે 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત ૨૦૪૭' ના સ્વપ્નને સાકાર કરવા માટે છેવાડાના માનવી સુધી નાણાકીય સમાવેશની યોજનાઓ પહોંચાડવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. બેંકિંગ ક્ષેત્રના અગ્રણી અધિકારીઓ દ્વારા વિવિધ નાણાકીય અને સામાજિક સુરક્ષા યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નાબાર્ડના ડીડીએમ દ્વારા મહિલા સ્વસહાય જૂથો અને સહકારી મંડળીઓની ભૂમિકા સમજાવવામાં આવી હતી, તો બીજી તરફ બેંક ઓફ બરોડા અને એસબીઆઈના અધિકારીઓ દ્વારા એનપીએસ સંચય, એમએસએમઇ સુરક્ષા કવચ, જનધન ખાતા અને વિવિધ વીમા યોજનાઓ અંગે ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી હતી. પીવીઆરડીએના નિષ્ણાત ટ્રેનરો દ્વારા યોજનાની નોંધણી, આવક અને રોકાણની પ્રક્રિયા પર પ્રકાશ પાડી ઉપસ્થિત નાગરિકોની મૂંઝવણોનું સંતોષકારક નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં એનપીએસ સંચય યોજનાની વિશેષતાઓ અને નિયમિત બચતના મહત્વને સમજાવવાની સાથે-સાથે લાભાર્થીઓ માટે સ્થળ પર જ 'ઓન-ધ-સ્પોટ રજિસ્ટ્રેશન' ની વિશેષ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ગ્રામીણ વિસ્તારોમાં આ પેન્શન યોજનાની પહોંચ વધુ વ્યાપક બને તે માટે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ અને કોમન સર્વિસ સેન્ટરના વિલેજ લેવલ એન્ટ્રપ્રિન્યોર્સ માટે એક ખાસ તાલીમ સત્ર પણ યોજવામાં આવ્યું હતું. બેંકિંગ ક્ષેત્રના વરિષ્ઠ અધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, મોટી સંખ્યામાં મહિલાઓ અને સહકારી મંડળીના સભ્યોની ઉપસ્થિતિએ આ કાર્યક્રમને અત્યંત સફળ બનાવ્યો હતો. આ સેમિનારના માધ્યમથી મોરબી જિલ્લાના નાગરિકોમાં નિવૃત્તિ કાળના આયોજન અને નાણાકીય જાગૃતિ અંગેનો સારો એવો સકારાત્મક સંદેશ ફેલાયો છે.
