JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

સંગઠિત અપરાધ કેસમાં પૂર્વ આપ ધારાસભ્ય નરેશ બલ્યાનને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, જામીન મંજૂર

સંગઠિત અપરાધ કેસમાં પૂર્વ આપ ધારાસભ્ય નરેશ બલ્યાનને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, જામીન મંજૂર
મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) હેઠળ જેલમાં બંધ આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય નરેશ બલ્યાનને સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા છે. કોર્ટે તેમને ટ્રાયલ દરમિયાન તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાનો આદેશ કર્યો છે.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો વિક્રમ નાથ અને અપારેશ કુમાર સિંહની બેન્ચે દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતી નરેશ બલ્યાનની અરજી પર સુનાવણી કરતા આ મહત્ત્વનો નિર્ણય લીધો હતો. બલ્યાન વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે કોર્ટમાં દલીલ કરી હતી કે તેમના અસીલ એક પૂર્વ ધારાસભ્ય છે અને તેમને રાજકીય બદઈરાદાનો ભોગ બનાવીને છેલ્લા બે વર્ષથી જેલમાં રાખવામાં આવ્યા છે. બીજી તરફ, દિલ્હી પોલીસના વકીલે વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે બલ્યાન એક સંગઠિત અપરાધ સિન્ડિકેટનો સક્રિય હિસ્સો છે અને આ સિન્ડિકેટ સામે ૧૫થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.

આ અગાઉ ૩ ઓગસ્ટના રોજ દિલ્હી હાઈકોર્ટે કુખ્યાત ગેંગસ્ટર કપિલ સાંગવાનના સિન્ડિકેટ સાથે સક્રિય સાંઠગાંઠ હોવાના આરોપસર બલ્યાનની જામીન અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે બલ્યાન અને ગેંગસ્ટર વચ્ચેની વાતચીત બંને વચ્ચેના સક્રિય અપરાધિક સંબંધો સ્પષ્ટપણે દર્શાવે છે. જો કે, સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ લાંબા સમયથી જેલમાં રહેલા પૂર્વ ધારાસભ્યને ટ્રાયલ કાર્યવાહીમાં સહયોગ કરવાની શરતે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે નરેશ બલ્યાનની ૪ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ MCOCA ના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, જે જ દિવસે ટ્રાયલ કોર્ટે તેમને અન્ય એક જબરન વસૂલીના કેસમાં જામીન આપ્યા હતા. હાઈકોર્ટ સમક્ષ બલ્યાનના વકીલોએ તેમના અસીલ વિરુદ્ધ કોઈ પુરાવા ન હોવાનું અને કેસને રાજકીય કિન્નાખોરીથી પ્રેરિત ગણાવ્યો હતો, જેને અદાલતે ફગાવી દીધો હતો. હવે સુપ્રીમ કોર્ટના આ હુકમથી નરેશ બલ્યાનને મોટી કાનૂની રાહત મળી છે, જો કે કેસની આગામી ટ્રાયલ દરમિયાન તેમના પરના આરોપોની સત્યતા વધુ સ્પષ્ટ થશે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES