રાજ્યમાં બિન-નિવાસી ભારતીયો (NRI) દ્વારા કરવામાં આવતી થાપણોમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં એનઆરઆઈ થાપણો વાર્ષિક ધોરણે ૫૮ ટકા વધીને રૂ. ૧.૭૫ લાખ કરોડ પર પહોંચી ગઈ છે. અગાઉ સપ્ટેમ્બર ૨૦૨૫માં આ થાપણો રૂ. ૧.૧૧ લાખ કરોડ હતી, એટલે કે માત્ર એક જ વર્ષમાં તેમાં રૂ. ૬૪,૩૮૧ કરોડથી વધુનો તોતિંગ વધારો થયો છે. બેંકિંગ નિષ્ણાતોના મતે, ઊંચા વ્યાજ દરનો તફાવત અને ચલણના ફાયદા જેવા પરિબળો વિદેશી રોકાણકારો માટે આકર્ષક તક સાબિત થઈ રહ્યા છે, જેના કારણે આ વિદેશી ભંડોળમાં મોટો ઉછાળો આવ્યો છે.
આ સમગ્ર પ્રક્રિયામાં અમદાવાદ જિલ્લો અન્ય તમામ જિલ્લાઓ પાછળ છોડીને સૌથી મોટો ફાળો આપનાર તરીકે ઉભરી આવ્યો છે. અમદાવાદમાં એનઆરઆઈ થાપણો બમણાથી પણ વધુ થઈને રૂ. ૫૨,૭૫૧.૬ કરોડ થઈ ગઈ છે, જે સમગ્ર રાજ્યના કુલ થાપણોના ૩૦ ટકા કરતા પણ વધુ છે. આગામી સમયમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ (CWG ૨૦૩૦) અને પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોપર્ટી માર્કેટમાં રિયલ એસ્ટેટ રોકાણ એનઆરજી (NRG) માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મજબૂત થઈ રહેલા યુએસ ડૉલર સામે ભારતીય રૂપિયાના ફાયદાને કારણે પણ રેમીટન્સમાં સતત વધારો થઈ રહ્યો છે.
અમદાવાદ ઉપરાંત વડોદરા, કચ્છ, સુરત અને રાજકોટ જેવા જિલ્લાઓમાં પણ એનઆરઆઈ થાપણોમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. વડોદરા રૂ. ૨૬,૫૩૯.૪ કરોડ સાથે બીજા ક્રમે રહ્યું છે, જ્યારે કચ્છ અને સુરતે પણ મજબૂત પ્રદર્શન કર્યું છે. માત્ર વાર્ષિક જ નહીં, પરંતુ ત્રિમાસિક ધોરણે પણ જૂનથી સપ્ટેમ્બર વચ્ચે માત્ર ત્રણ જ મહિનામાં રાજ્યભરની એનઆરઆઈ થાપણોમાં આશ્ચર્યજનક રીતે રૂ. ૫૩,૧૫૫ કરોડનો વધારો નોંધાયો છે, જે ભારતીય બેંકિંગ સિસ્ટમમાં વિદેશી પ્રવાહની મજબૂતી દર્શાવે છે.
