JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

આઠમા પગાર પંચથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં માસિક રૂ. ૧૫,૪00 સુધીના વધારાની સંભાવના

Jamnagar Mirror
પ્રખ્યાત ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેપી મૉર્ગનના અહેવાલ મુજબ 8મા પગાર પંચની ભલામણો અમલી બન્યા બાદ દેશના કરોડો કર્મચારીઓ અને પેન્શનરોને માસિક સરેરાશ રૂ. ૧૫,૪00 નો વિશેષ ફાયદો અને લાખો રૂપિયાનું એરિયર્સ મળી શકે છે.

દેશના લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે આગામી સમયમાં આર્થિક મોરચે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ 'જેપી મૉર્ગન' દ્વારા રજૂ કરવામાં આવેલી ઇન્ડિયા ઇક્વિટી સ્ટ્રેટેજી રિપોર્ટ 2027 અનુસાર, આઠમા પગાર પંચની ભલામણો લાગુ થયા બાદ આશરે ૧.૨ કરોડ લાભાર્થીઓને સીધો ફાયદો થશે. આ અંદાજ મુજબ સરકાર દ્વારા પગાર, ભથ્થાં અને પેન્શન પાછળ નાણાકીય વર્ષ ૨૦૨૮ અને ૨૦૨૯ દરમિયાન કુલ ૭.૨ લાખ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડી શકે છે, જેનાથી કર્મચારીઓના માસિક વેતનમાં નોંધપાત્ર ઉછાળો આવશે.

આ ગણતરી પાછળ ૧.૮૩ ના ફિટમેન્ટ ફેક્ટરને આધાર બનાવવામાં આવ્યો છે, જેના આધારે હાલનો ૧૮,૦૦૦ રૂપિયાનો લઘુતમ મૂળ પગાર વધીને આશરે ૩૩,૦০০ રૂપિયા સુધી પહોંચી શકે છે. કાગળ પર આ ફિટમેન્ટ ફેક્ટર દ્વારા ૮૩ ટકાનો વધારો દેખાશે, જેમાં મોંઘવારી ભથ્થું પણ સામેલ હશે, જેને લીધે કર્મચારીઓના વાસ્તવિક પગારમાં આશરે ૧૪ ટકાનો ચોખ્ખો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ સામે કર્મચારી સંગઠનો દ્વારા ૩.૮૩ ના ઊંચા ફિટમેન્ટ ફેક્ટરની માંગણી કરવામાં આવી છે જેથી મૂળ પગારમાં મોટો ફેરફાર થઈ શકે.

આ પંચની ભલામણો ૧ જાન્યુઆરી ૨૦૨૬થી અસરકારક બનવાની ધારણા છે જ્યારે નવેમ્બર ૨૦૨૭થી વધેલા પગારની ચૂકવણી શરૂ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન બનેલા અંદાજે ૨૨ મહિનાના એરિયર્સ પેટે દરેક લાભાર્થીને સરેરાશ ૩.૪૦ લાખ રૂપિયા મળવાનું અનુમાન છે, જેની ચૂકવણી બે નાણાકીય વર્ષમાં તબક્કાવાર કરવામાં આવશે. વાસ્તવિક ચિત્ર મે ૨૦૨૭માં 8મું પગાર પંચ પોતાનો રિપોર્ટ સબમિટ કરશે ત્યારબાદ જ સ્પષ્ટ થશે અને સરકાર તેના પર અંતિમ મહોર મારશે.

બિઝનેસ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES