JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

વેપારીઓ માટે રાહતના સમાચાર: હવે જીએસટી રજીસ્ટ્રેશન રદ કરાવવું બનશે વધુ સરળ

વેપારીઓ માટે રાહતના સમાચાર: હવે જીએસટી રજીસ્ટ્રેશન રદ કરાવવું બનશે વધુ સરળ
આગામી 1 ડિસેમ્બરથી જીએસટી રજીસ્ટ્રેશન રદ કરવાની ઓનલાઈન અને ઓટોમેટીક વ્યવસ્થા અમલી બનશે. તમામ ટેક્સ અને રિટર્ન ક્લિયર કરનાર વેપારીઓને અધિકારીઓની લાંબી તપાસમાંથી મુક્તિ મળશે.

દેશભરના વેપારીઓ માટે વેપાર કરવાનું સરળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ને લગતી પ્રક્રિયાઓમાં મોટો સુધારો કરવામાં આવ્યો છે. નવી વ્યવસ્થા અનુસાર, જો કોઈ વેપારી પોતાનું જીએસટી રજીસ્ટ્રેશન રદ કરવા માટે આવેદન કરે છે અને જો તેના તમામ ટેક્સ રિટર્ન નિયમિતપણે જમા થયેલા છે, તેમજ સરકારને ચૂકવવાપાત્ર કોઈ પણ પ્રકારનો કર, વ્યાજ, ચાર્જ કે દંડ બાકી નથી, તો તેનું રજીસ્ટ્રેશન કોઈપણ અધિકારીની મેન્યુઅલ તપાસ વિના ઓનલાઈન આપોઆપ રદ થઈ જશે. આગામી 1 ડિસેમ્બરથી આ નવો નિયમ દેશભરમાં લાગુ કરી દેવામાં આવશે, જેનાથી વેપારીઓનો કિંમતી સમય બચી શકશે.

આ નવી પારદર્શક પ્રક્રિયા હેઠળ વેપારીએ જે તારીખે રજીસ્ટ્રેશન રદ કરવાની માંગણી કરી હશે, તે જ તારીખથી રજીસ્ટ્રેશન રદ થયેલું માનવામાં આવશે. આ અંગેની સત્તાવાર સૂચના પણ જીએસટી ઓનલાઈન પોર્ટલ દ્વારા 'ફોર્મ જીએસટી આરઈજી-38' માં તરત જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અગાઉ આ ઓટોમેટીક રદીકરણ માટે કેટલીક જટિલ શરતો આડે આવતી હતી, જેને સરકાર દ્વારા હવે સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે. અગાઉના નિયમો મુજબ રજીસ્ટ્રેશનના આવેદન સુધીના સમયગાળામાં વધારાની સપ્લાય પરની કર જવાબદારી મર્યાદિત હોવી જરૂરી હતી અને જીએસટીઆર-10 ફોર્મ ચોક્કસ સમયસીમામાં જમા કરાવવું પડતું હતું, જે હવે હટાવી લેવાયું છે.

સરકારના આ પગલાથી ટેક્સ પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને ડિજિટલ બનશે. અત્યાર સુધી વેપારીઓએ રજીસ્ટ્રેશન રદ કરાવવા માટે સરકારી અધિકારીઓની મંજૂરી અને લાંબી પ્રક્રિયાની રાહ જોવી પડતી હતી, જેના કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે કોઈપણ જાતના વહીવટી વિલંબ વિના ઓનલાઈન જ આ પ્રક્રિયા પૂર્ણ થવાથી વેપારી વર્ગમાં રાહતની લાગણી ફેલાઈ છે અને લઘુ તથા મધ્યમ ઉદ્યોગોને વેપાર છોડતી વખતે કે બદલતી વખતે પૂરતો સહયોગ મળી રહેશે.

બિઝનેસ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES