ભાવનગર જિલ્લાના તલગાજરડા સ્થિત શ્રી ચિત્રકૂટધામ ખાતે શ્રી પ્રભુદાસબાપુની પુણ્યતિથિના પવિત્ર અવસરે એક ભવ્ય અને સાત્વિક ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ પ્રસંગે ગામની દીકરીઓ માટે સમૂહલગ્નનું આયોજન કરવા સાથે સંતવાણીના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપનાર નામી-અનામી કલાકારો અને સાધકોનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આધ્યાત્મિક અને સામાજિક સમરસતાનો અદ્ભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ્રેરક ઉદ્બોધન કરતા પ્રખ્યાત કથાકાર શ્રી મોરારિબાપુએ જણાવ્યું હતું કે, ભજન કરી ધર્મગુરુ સિદ્ધાંત આપે છે, જ્યારે સદગુરુ સત્ય આપે છે. ભજનથી માનવીને શું પ્રાપ્ત થાય છે તેની ચર્ચા કરતા તેમણે તુલસીદાસજીના સંદર્ભ સાથે ઉમેર્યું કે સાચું ભજન કરનાર વ્યક્તિને અંતે ભજન સિવાય કશું જ ગમતું નથી. આ સન્માન સમારોહને તેમણે 'ભજન વંદના'નું પ્રતીક ગણાવી પોતાનો વિશેષ રાજીપો વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન કરતા હરિશ્ચંદ્રભાઈ જોષીએ વિવિધ પ્રાંતોની સંતવાણીની સમૃદ્ધ પરંપરા વિશે રસપ્રદ માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં સંતવાણી અને સંગીત ક્ષેત્રની પ્રતિભાઓનું 'સંતવાણી સન્માન'થી અભિવાદન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી સુખરામજીબાપુની ’આદિ સર્જક વંદના’ ઉપરાંત દેવરાજ ગઢવી, તબલાવાદક પ્રતાપભાઈ બારોટ અને હિતેશગીરી ગોસાઈ તેમજ મંજીરવાદક સંજયભાઈ કાપડીને સન્માનિત કરાયા હતા. આ ભવ્ય ઉપક્રમમાં સાવરકુંડલાના ભક્તિરામબાપુ, લોકસાહિત્યકાર ભિખુદાન ગઢવી, હેમંતભાઈ ચૌહાણ, કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર સહિતના અનેક ખ્યાતનામ કલાકારો, સાહિત્યકારો તેમજ સાંસદ પુરુષોત્તમ રૂપાલા અને ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ જેવા રાજકીય-સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહી ભજન અને સંતવાણીનો અલૌકિક આનંદ માણ્યો હતો.
