ચેન્નઈ ખાતે ભાજપ દ્વારા આયોજિત બંધારણ દિવસના એક કાર્યક્રમને સંબોધિત કરતા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તમિલનાડુ સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું હતું. તિરુપુરંકુન્ડ્રમ પર્વત પર આવેલા વિવાદિત 'દીપથુન' પથ્થરના સ્તંભ પર પરંપરાગત દીવો પ્રગટાવવા પર રોક લગાવવાના મુદ્દે તેમણે રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રકારના નિર્ણયોથી લાખો લોકોની ધાર્મિક આસ્થાઓને ઠેસ પહોંચી છે અને જો આ પ્રથા પર અંકુશ ચાલુ રહેશે તો તેના દૂરગામી નકારાત્મક પરિણામો આવી શકે છે. આ વિવાદને કારણે હિન્દુ સંગઠનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું, જેના પગલે કાયદો અને વ્યવસ્થાળ જાળવવા માટે કેટલાક ભાજપ નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
આ સમગ્ર મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં પણ વિચારણા હેઠળ છે, જ્યાં ન્યાયાધીશોની બેંચે આ મામલે અવમાનના અરજીઓ અને અન્ય અરજીઓની સુનાવણી હાથ ધરી છે. તમિલનાડુ સરકારે અગાઉ કોર્ટમાં આ ઘટના માટે માફી માંગી હતી અને સમગ્ર દોષ મંદિર સત્તાવાળાઓ પરઢોળ્યો હતો. રાજકીય નિશાનો સાધતા વૈષ્ણવે કોંગ્રેસ પાર્ટી પર પણ પ્રહાર કર્યા હતા અને તેમના પર બંધારણીય મૂલ્યો કરતા પરિવારના હિતોને પ્રાધાન્ય આપવાનો આક્ષેપ કર્યો હતો. ચૂંટણી પ્રક્રિયા અને ઈવીએમ પર સવાલો ઉઠાવવા બદલ પણ તેમણે કોંગ્રેસની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે પક્ષ પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે આવા મુદ્દાઓ આગળ ધરે છે.
બીજી બાજુ, મંત્રીએ તમિલનાડુમાં રેલવે વિકાસના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં જરૂરી જમીન સંપાદનની પ્રક્રિયા ખૂબ જ મંદ ગતિએ ચાલી રહી છે. અંદાજે 4,800 હેક્ટર જમીનમાંથી માત્ર 24 ટકા એટલે કે 1,253 હેક્ટર જમીન જ અત્યાર સુધી હસ્તગત થઈ શકી છે. તેમણે રાજ્ય સરકારને જમીન સંપાદનની પ્રક્રિયા ઝડપી બનાવવા વિનંતી કરી હતી અને કેન્દ્ર સરકાર તરફથી પૂરતું ભંડોળ પૂરું પાડવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત, તેમણે તમિલનાડુમાં 77 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ અને ચેન્નઈ, બેંગલુરુ તથા હૈદરાબાદ વચ્ચે હાઈ-સ્પીડ રેલ કનેક્ટિવિટી શરૂ કરવાના પ્રસ્તાવો વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી.
