જસદણના ચિતલીયા રોડ વિસ્તારમાં આવેલા અક્ષરધામ ગુણાતીત બાગ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રખ્યાત સંત પૂજ્ય પ્રબોધજીવનસ્વામીની વિશેષ સત્સંગ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમની શરૂઆત પૂર્વે રાજુભાઈ ધારૈયા, ગુણુભાઈ નારિયા અને વિનુભાઈ ચાવ જેવા અગ્રણી હરિભક્તો દ્વારા સ્વામીજીને પુષ્પહાર પહેરાવીને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંતોના આગમનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને પ્રવચન સત્ર શરૂ થાય તે પહેલા મધુર કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ દિવ્ય સંગીતનો આનંદ માણ્યો હતો.
આ આધ્યાત્મિક સભામાં પોતાના પ્રવચન દરમિયાન પરમ પૂજ્ય પ્રબોધજીવનસ્વામીજીએ જસદણના ભક્તોની સખત મહેનત અને સમર્પણ ભાવની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જસદણના ભક્તોએ માત્ર છ મહિના જેટલા ટૂંકા સમયમાં જાત મહેનત કરીને અત્યંત સુંદર મંદિરનું નિર્માણ કર્યું છે જે તેમની અતૂટ ભક્તિ અને નિષ્ઠા દર્શાવે છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે પથ્થર અને મૂર્તિ વચ્ચેનો ભેદ સમજાવતા કહ્યું કે આરસની મૂર્તિનું સંતો દ્વારા પૂજન થયા બાદ જ તે ખરા અર્થમાં ભગવાનનું રૂપ બને છે. ભક્તોએ જ્ઞાતિ-જાતિના ભેદભાવથી ઉપર ઉઠીને ભગવાનમાં ભાવ રાખવો જોઈએ અને સાચા દિલથી કરેલી પ્રાર્થના હંમેશાં ફળે છે તેમ પણ તેમણે માર્ગદર્શન આપ્યું હતું.
આ સત્સંગ સભામાં સંત નિરંજન સ્વામીએ પણ પોતાના વક્તવ્યમાં જીવનમાં સંત, શાસ્ત્ર, મંદિર અને મંત્રના ત્રિવેણી સંગમનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે સંતો આપણને પોતાના ચરણોમાં સ્વીકારીને સદ્ગુણોનો સંચાર કરે છે અને જીવનમાં યોગ્ય વિવેક આપીને સાચા અર્થમાં ઉત્તમ ઇન્સાન બનાવે છે. આ પ્રસંગે પ્રાદેશિક સંત પૂજ્ય સર્વાતિતસ્વામીજી સહિતના અનેક સંતો ઉપસ્થિત રહ્યા હતા. સભાસ્થળે વિશેષ રૂપે જસદણ મંદિરના નિર્માણની પ્રક્રિયા દર્શાવતી એક ડોક્યુમેન્ટરી પણ બતાવવામાં આવી હતી, અને કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત ભક્તજનો માટે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
