અમરેલી જિલ્લા પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથેસાથે મુશ્કેલીમાં ફસાયેલા નાગરિકોની વહારે આવીને પોતાની ફરજની ઉત્તમ મિસાલ રજૂ કરી છે. લાઠી તાલુકાના અડતાળા ગામમાંથી બનેલી ત્રણ વર્ષની માસૂમ બાળકીના અપહરણની એક અત્યંત ચકચારી ઘટના સામે આવી હતી. આ જટિલ અને સંવેદનશીલ મામલામાં પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ આરોપીનું ચોક્કસ પગેરું દબાવી દીધું હતું અને બાળકીને હેમખેમ પરત મેળવી હતી. પોલીસની આ ત્વરિત અને કુશળ કામગીરીને કારણે એક પરિવારનું ખુશખુશાલ વાતાવરણ બચી ગયું હતું.
આ ગંભીર ઘટનાની જાણ થતાં જ પોતાના વતન લાઠી તાલુકાના અડતાળા ગામની દીકરી માટે રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા ઊંડી વ્યથા અનુભવી હતી. તેમણે આ સમગ્ર ઓપરેશનને પાર પાડનાર અમરેલી પોલીસના હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ દડુભાઈ કામળિયાની સતર્કતા અને કર્તવ્યનિષ્ઠાની મુક્તકંઠે પ્રશંસા કરી છે. સાંસદે ખાસ પત્ર પાઠવીને કોન્સ્ટેબલની પીઠ થાબડી છે અને પોલીસ વિભાગની કામગીરીને બિરદાવી છે.
આ સફળ ઓપરેશન પાછળ ઉચ્ચ અધિકારીઓનું સક્ષમ નેતૃત્વ પણ મહત્વપૂર્ણ રહ્યું છે. સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક (એસ.પી.) સંજય ખરાત તથા નાયબ પોલીસ અધિક્ષક (ડી.વાય.એસ.પી.) વિસ્મય માનસેતાના માર્ગદર્શન હેઠળ કામ કરતી સમગ્ર પોલીસ ટીમની કાર્યકુશળતા અને સતર્કતાની સરાહના કરી છે. પોલીસની આ ટીમવર્ક અને પ્રશંસનીય કામગીરીથી સમગ્ર જિલ્લામાં સુરક્ષા અને કાયદા પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
