JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ગુજરાત એટીએસનું સફળ ઓપરેશન: જૈશ-એ-મોહમ્મદનો આતંકી એકે-47 રાઈફલ અને કારતૂસ સાથે ઝડપાયો

ગુજરાત એટીએસનું સફળ ઓપરેશન: જૈશ-એ-મોહમ્મદનો આતંકી એકે-47 રાઈફલ અને કારતૂસ સાથે ઝડપાયો
ગુજરાત એટીએસએ વડોદરાના જરોદ પાસેથી જૈશના એક આતંકીને અત્યાધુનિક એકે-47 અને જીવતા કારતૂસ સાથે ઝડપી પાડી રાજ્યમાં મોટોઘાત ટાળ્યો છે.

વડોદરા જિલ્લાના જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને સચોટ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ચોક્કસ બાતમીના આધારે એટીએસની ટીમે જરોદ બસ સ્ટેશન પાસેથી પસાર થતી એક શંકાસ્પદ ગાડીને આંતરીને તલાશી લીધી હતી. આ વાહનમાંથી અત્યાધુનિક હથિયારોનો ઘાતક જથ્થો મળી આવતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી. એટીએસની આ સમયસૂચકતા અને સતર્કતાને કારણે સમયસર મોટો ખતરો ટળી ગયો હોવાનું અને રાજ્યમાં કોઈ મોટી અનિચ્છનીય ઘટના બનતી અટકી હોવાનું મનાઈ રહ્યું છે.

તપાસ દરમિયાન ઝડપાયેલા વાહનમાંથી અત્યંત ઘાતક ગણાતી એકે-47 રાઈફલ તેમજ 23 જેટલા જીવતા કારતૂસ મળી આવ્યા હતા, જેને એટીએસની ટીમે તાત્કાલિક કબજે કરી લીધા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે જરોદ બસ સ્ટેશન નજીકથી અટકાયત કરવામાં આવેલો આ શખસ મૂળ આસામનો વતની છે અને તે કુખ્યાત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સીધો સંપર્ક તેમજ જોડાણ ધરાવે છે. આસામનો આ શખસ આટલો મોટો હથિયારોનો જથ્થો લઈને ગુજરાતના વડોદરા સુધી કેવી રીતે અને કયા હેતુસર પહોંચ્યો હતો, તે અંગે સુરક્ષા એજન્સીઓ અત્યારે ગંભીરતાથી તપાસ ચલાવી રહી છે.

હાલ ગુજરાત એટીએસ દ્વારા પકડાયેલા આતંકીની સઘન અને ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે. આ શખસ એકે-47 રાઈફલ અને કારતૂસનો આ જથ્થો ક્યાંથી લાવ્યો હતો, તેની પાછળ કયા દેશી કે વિદેશી હેન્ડલર્સ કામ કરી રહ્યા છે અને આ હથિયારો ગુજરાતમાં કોને પહોંચાડવાના હતા તે તમામ દિશામાં તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. રાજ્યની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને એટીએસ દ્વારા આ આતંકી નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે કેન્દ્રીય અને અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે પણ પૂરતું સંકલન સાધવામાં આવી રહ્યું છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES