રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી વિસ્તારમાંથી માનવતાને શરમાવતો અને હૈયું હચમચાવી નાંખતો એક અત્યંત ક્રૂર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મૂળ કોટડાસાંગાણીના સરકારી દવાખાના પાછળ રહેતા રણજીત ઉર્ફે ટીનો હસમુખભાઈ પરમાર નામના શખ્સે પોતાના જ ૧૧ મહિનાના માસૂમ બાળક રાજ પર અત્યાચાર ગુજાર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી રણજીત પોતાની પત્ની કાજલબેન પર અવારનવાર ખોટી શંકા-વહેમ રાખીને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. આ ત્રાસથી કંટાળીને કાજલબેન પોતાના સંતાનોને લઈને અંદાજે એક મહિના પહેલા જ વાછરડા ગામે પોતાના પિયર ખાતે રિસામણે ચાલી ગયા હતા. પત્નીના ગુસ્સામાં અને અહંકારમાં આંધળા બનેલા આ પિતાએ ઘરમાં રહેલા પોતાના માસૂમ સંતાનોને નિશાન બનાવ્યા હતા, જેમાંથી સૌથી નાનો ૧૧ માસનો રાજ તેનો ભોગ બન્યો હતો.
ઘટનાની વિગતવાર માહિતી મુજબ, પત્ની પિયર ગયા બાદ આરોપી પિતાએ અગાઉ પણ માસૂમ રાજને બેરહેમીથી માર માર્યો હતો અને તેનો હાથ ભાંગી નાખ્યો હતો, જેની જાણ પરિવારજનો દ્વારા કાજલબેનને ફોન પર કરવામાં આવી હતી. ગત ૨૨ તારીખના રોજ ફરીથી દિયરે ફોન કરીને બાળકની તબિયત નાજુક હોવાની જાણ કરતા કાજલબેન રાત્રે કોટડાસાંગાણી દોડી આવ્યા હતા. પત્નીને જોતાં જ ઉશ્કેરાયેલા રણજીતે ઝપાઝપી કરી તેને ધક્કો મારી નીચે પછાડી દીધી હતી. બાદમાં પરિણીતાએ હેલ્પલાઇન નંબર ૧૧૨ પર ફોન કરતા આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઘરમાં જઈને જોતા માસૂમ રાજના સાથળ, પીઠ અને શરીરના અન્ય ભાગો પર માર માર્યાના નીશાન હતા તેમજ માથાના ભાગે ગંભીર સોજો જોવા મળ્યો હતો. માસૂમની મોટી બહેન જ્યોતિએ માતાને રૂંવાડા ઊભા કરી દે તેવી હકીકત જણાવતા કહ્યું હતું કે, પિતા રણજીત એમ કહેતા હતા કે 'તારી માએ તો ઉપાડો લીધો છે એટલે આજે તને પતાવી જ દેવો છે' અને આમ કહીને અગાઉથી પાટો બાંધેલા હાથને પકડીને પલંગ કે ઉબરા સાથે જોરથી ઘા કર્યો હતો.
આ ભયાનક અત્યાચાર બાદ પરિણીતા બાળકને લઈને તુરંત જ જૂનાગઢ સારવાર માટે ગઈ હતી, જ્યાં તબીબી તપાસમાં ૧૧ મહિનાના માસૂમ બાળકને માથામાં હેમરેજ થયાનું ગંભીર નિદાન થયું હતું. આ મામલે કાજલબેનની ફરિયાદના આધારે કોટડાસાંગાણી પોલીસે નિર્દયી પિતા વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને જુવેનાઇલ એક્ટ સહિતની ગંભીર અને આકરી કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરની ખાસ સૂચના અને કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એસ.આર. ગોહીલની રાહબરી હેઠળ પોલીસ ટીમે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને આરોપી રણજીત પરમારને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન એ પણ ખુલાસો થયો છે કે પકડાયેલા આ આરોપી વિરુદ્ધ અગાઉ અસંખ્ય ગુનાઓ અલગ-અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા છે, જે તેની અપરાધિક માનસિકતા દર્શાવે છે.
