પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક ચોંકાવનારા ઘટનાક્રમમાં, મમતા બેનર્જીના નાના ભાઈ સ્વપન બેનર્જી (જેઓ બાબુન તરીકે લોકપ્રિય છે) ગુરુવારે કાલીઘાટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે તેમના ભત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જી સામે ગંભીર આક્ષેપો કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવવા અરજી કરી છે. સ્વપન બેનર્જીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ટીએમસીના શાસન દરમિયાન અને તાજેતરમાં ભાજપની સરકાર આવ્યા બાદ પણ ભય અને ધમકીઓનું વાતાવરણ સતત પ્રવર્તી રહ્યું છે. તેમણે સરકારી કામોમાં દખલગીરી, ક્લબો પર બળજબરીથી કબજો મેળવવા અને લોકોમાં ડર ઉભો કરવાના કિસ્સાઓ ખુલ્લેઆમ સામે આવતા હોવાનું જણાવીને ભારે પીડા વ્યક્ત કરી હતી.
આ વિવાદનું તાત્કાલિક કારણ એક રક્તદાન શિબિરમાં કથિત રીતે અડચણ ઊભી કરવાનું બન્યું છે, જેના કારણે કૌટુંબિક અને રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. જો કે, આ ઘટનાની વિગતવાર માહિતી અને ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ સામે કરાયેલા ચોક્કસ આક્ષેપો હજુ સત્તાવાર રીતે બહાર આવ્યા નથી. આ ઘટનાથી બેનર્જી પરિવારના લાંબા સમયથી ચાલી રહેલા અંદરોઅંદરના મતભેદો વધુ સપાટી પર આવ્યા છે. અગાઉ પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ જાહેરમાં પોતાના નાના ભાઈથી દુરી બનાવી દીધી હતી અને સંબંધો તોડી નાખ્યા હોવાની જાહેરાત કરી હતી.
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત અને ટીએમસીના ૧૫ વર્ષના શાસનનો અંત આવ્યા બાદ આ પરિવારિક વિવાદે હવે સ્પષ્ટ રાજકીય રંગ ધારણ કર્યો છે. સરકાર બદલાયા પછી સ્વપન બેનર્જીની ભાજપના નેતૃત્વ સાથે નિકટતા વધી રહી છે અને તેઓ અગાઉ મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના વખાણ પણ કરી ચૂક્યા છે. તાજેતરમાં સ્થાનિક દુર્ગા પૂજાના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે સુવેન્દુ અધિકારીના ચરણ સ્પર્શ પણ કર્યા હતા, જેના કારણે તેમના ભાજપમાં જોડાવાની અટકળો જોર પકડી રહી છે. જો કે, બાબુન દ્વારા ભાજપમાં જોડાવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
