કેન્દ્ર સરકારે ભાગેડુ ઇસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈકની સંસ્થા 'ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન' (IRF) વિરુદ્ધની કાર્યવાહીમાં વધુ એક મોટું પગલું ભર્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા આ સંગઠન પરના પ્રતિબંધને પાંચ વર્ષ માટે લંબાવવામાં આવ્યા બાદ, હવે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસનને આ કાયદાકીય લડાઈમાં સીધા સામેલ કરવામાં આવ્યા છે. ગુરુવારે જારી કરાયેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ, કેન્દ્ર સરકારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે બનાવવામાં આવેલા કડક કાયદા યુએપીએ (UAPA)ની કલમ ૪૨ હેઠળ પોતાની વિશેષ સત્તાઓ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને હસ્તાંતરિત કરી દીધી છે.
આ નવા આદેશ અનુસાર, હવે દેશના કોઈપણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની સરકાર યુએપીએની કલમ ૭ અને ૮ હેઠળ સીધી કાર્યવાહી કરી શકશે. કલમ ૭ હેઠળ સરકારને એવા નાણાં, ફંડ કે સિક્યોરિટીઝના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની સત્તા મળે છે, જેનો સંબંધ પ્રતિબંધિત સંગઠન સાથે હોય. આ જોગવાઈ હેઠળ સત્તાવાળાઓ લેખિત આદેશ જારી કરીને કોઈપણ વ્યક્તિને આ સંસ્થાના નાણાં કે ક્રેડિટના વ્યવહાર કરતા અટકાવી શકે છે અને શંકાસ્પદ નાણાકીય લેણદેણની તપાસ માટે ગેઝેટેડ અધિકારીઓની નિમણૂક પણ કરી શકે છે.
આ ઉપરાંત, કલમ ૮ હેઠળ સરકાર અથવા પ્રશાસનને સંસ્થા સાથે જોડાયેલી કોઈપણ શંકાસ્પદ જગ્યા, મકાન કે મિલકતને નોટિફાઇડ કરવાની સત્તા મળે છે. આવી મિલકતો પર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જંગમ મિલકતની યાદી તૈયાર કરવામાં આવે છે અને અનધિકૃત પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. પૂરતી સુરક્ષા અને કાયદો જાળવવા માટે સબ-ઇન્સ્પેક્ટર કે તેથી ઉપરના ક્રમના પોલીસ અધિકારીઓને આ પરિસરમાં પ્રવેશતી વ્યક્તિઓની તપાસ કરવાની સત્તા પણ આપવામાં આવી છે, જેનાથી આતંકવાદ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામેની આ લડાઈ વધુ મજબૂત બનશે.
