અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટના પૂર્વ એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ અને નિવૃત્ત જજ રાજેશભાઈ વિનોદરાય ઓઝા સપ્ટેમ્બર ૨૦૨૩થી પોતાના ઘેરથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયા છે. આ મામલે તેમના પરિવાર દ્વારા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હોવા છતાં, પોલીસે એફઆઈઆર નોંધવાને બદલે માત્ર જોગવાઈ એન્ટ્રી કરીને સંતોષ માન્યો હતો. નિવૃત્ત જજની પુત્રીએ પિતાને શોધવા માટે એફઆઈઆર દાખલ કરવા તેમજ એસઆઈટી કે માનવ તસ્કરી વિરોધી એકમ દ્વારા તપાસ કરાવવાની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે, જેના કારણે પોલીસની લાપરવાહી જગજાહેર થઈ છે.
આ ગંભીર મામલાની સુનાવણી દરમિયાન જસ્ટિસ ભાર્ગવ કારીઆ અને જસ્ટિસ હેમંત પ્રચ્છકની ખંડપીઠે પોલીસતંત્રની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરતા લાલઘૂમ વલણ અપનાવ્યું હતું. હાઇકોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે જો એક નિવૃત્ત ન્યાયાધીશ સાથે પોલીસનું આ પ્રકારનું ઉદાસીન વલણ હોય, તો સામાન્ય નાગરિકોની સુરક્ષાની શું સ્થિતિ હશે? અદાલતે કાયદાકીય વ્યવસ્થા પર પ્રહાર કરતા કહ્યું કે શું આપણે અરાજકતા અને કાયદા વિનાના શાસનમાં જીવી રહ્યા છીએ? એક તબક્કે કોર્ટે રાજ્યના પોલીસ વડાને રૂબરૂ બોલાવવાની અને કસૂરવાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની કડક ચીમકી પણ ઉચ્ચારી હતી.
અદાલતના આક્રમક વલણને પગલે રાજ્ય સરકાર અને પોલીસ વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. હાઇકોર્ટે રાજ્ય સરકાર, ડીજીપી, શહેર પોલીસ કમિશનર અને શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના સંબંધિત પક્ષકારોને નોટિસ જારી કરીને તબક્કાવાર ખુલાસો માંગ્યો છે કે છેલ્લા ત્રણ વર્ષથી ગુમ થયેલા ન્યાયાધીશને શોધવા માટે અત્યાર સુધી પૂરતા પ્રયાસો કેમ નથી કરવામાં આવ્યા. પરિવાર માટે પેન્શન સહિતના હકો મેળવવા પણ એફઆઈઆર અનિવાર્ય હોવા છતાં પોલીસ દ્વારા થઈ રહેલી ટાઢાસ સામે કોર્ટના આ કડક રુખથી ન્યાય મળવાની આશા બંધાઈ છે.
