JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

રાજકોટમાં પોલીસના સપાટાથી હડકંપ: સ્પા અને ફ્લેટની આડમાં ચાલતા બે કુટણખાના પડાફાશ, ચાર યુવતી મુક્ત

રાજકોટમાં પોલીસના સપાટાથી હડકંપ: સ્પા અને ફ્લેટની આડમાં ચાલતા બે કુટણખાના પડાફાશ, ચાર યુવતી મુક્ત
રાજકોટમાં પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા મવડી અને રેસકોર્સ વિસ્તારમાં સફળ દરોડા પાડીને દેહવ્યાપારના બે રેકેટ ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે ચાર યુવતીઓને મુક્ત કરાવી સંચાલક અને ૬૦ વર્ષીય વૃદ્ધા સહિતના આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ શહેરમાં સ્પા સેન્ટરો અને શાંત ગણાતા રહેણાંક વિસ્તારોની આડમાં ધમધમતી અનૈતિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. શહેરના પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ની ટીમે બાતમીના આધારે આકરા પગલાં લીધા છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમી મુજબ, મવડી ચોક પાસે આવેલા એક સ્પા સેન્ટરમાં અને રેસકોર્સ જેવા પોશ વિસ્તારના રહેણાંક ફ્લેટમાં ગેરકાયદેસર રીતે દેહવ્યાપારનો ધંધો ચલાવવામાં આવી રહ્યો હતો. આ માહિતીને ગંભીરતાથી લઈને પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવીને બંને સ્થળો પર એકસાથે અને યોજનાબદ્ધ રીતે દરોડા પાડવાની રણનીતિ ઘડી હતી.

પ્રથમ કાર્યવાહી અંતર્ગત ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલા શિવમ બિલ્ડીંગમાં ધમધમતા 'ઓરેન્જ વેલનેસ ફેમેલી સ્પા' પર પોલીસે પર્દાફાશ કર્યો હતો. આ સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે એક ડમી ગ્રાહકને અંદર મોકલ્યો હતો, જેણે એન્ટ્રી ફી અને અનૈતિક પ્રવૃત્તિ માટે નક્કી કરેલા નાણાં ચૂકવ્યા હતા. ડમી ગ્રાહક તરફથી લીલી ઝંડી મળતા જ એ.એચ.ટી.યુ. ની ટીમે સ્પામાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રૂા. ૪,૦૦૦ રોકડા અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી સ્પાના સંચાલક મહેશભાઈ બાબુભાઈ ચૌહાણની ધરપકડ કરી હતી, તેમજ ત્યાં ફસાયેલી બે યુવતીઓની મુક્ત કરાવી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો.

બીજી તરફ, પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા રેસકોર્સ પાર્ક વિસ્તારમાં પણ એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં સરસ્વતી શીશુ વિદ્યામંદિર સ્કૂલની બાજુની શેરીમાં આવેલા ફ્લેટ નંબર ૨ માં ૬૦ વર્ષીય શિલ્પાબેન ગીરીશભાઈ માણેક ભાડેથી રહીને બહારથી યુવતીઓ અને ગ્રાહકો બોલાવીને કુટણખાનું ચલાવતા હતા. પોલીસે આ સ્થળે પણ ડમી ગ્રાહક મોકલીને દરોડો પાડ્યો હતો અને ફ્લેટમાંથી રોકડા રૂા. ૩,૫૦૦ તથા મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. આ ફ્લેટમાંથી પણ બે યુવતીઓને સુરક્ષિત રીતે મુક્ત કરાવી વૃદ્ધા સંચાલિકા વિરુદ્ધ પ્ર. નગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોશ અને રહેણાંક વિસ્તારોમાં વૃદ્ધા દ્વારા ચલાવવામાં આવતા આ ગેરકાયદેસર ધંધાના પર્દાફાશથી સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જાગી છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES