JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

એલપીજીથી લઈને કાર અને ક્રેડિટ કાર્ડ સુધી: ૧ ડિસેમ્બરથી દેશમાં બદલાશે આ પાંચ મોટા નિયમો

Jamnagar Mirror
આગામી ૧ ડિસેમ્બર ૨૦૨૬થી સામાન્ય માનવીના દૈનિક જીવન અને બજેટને સીધી અસર કરતા પાંચ મહત્ત્વપૂર્ણ ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. એલપીજી ગેસના ભાવથી લઈને એસબીઆઈ ક્રેડિટ કાર્ડના ઉપયોગ અને કાર ખરીદીના નિયમોમાં મોટો બદલાવ આવશે.

નવેમ્બર મહિનાની વિદાયની સાથે જ ૧ ડિસેમ્બર ૨૦૨૬થી દેશભરમાં આર્થિક મોરચે અનેક મોટા ફેરફારોની શરૂઆત થવા જ રહી છે, જેની સીધી અસર સામાન્ય નાગરિકોના ઘરના બજેટ પર પડશે. દર મહિનાની જેમ આ વખતે પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડર અને એટીએફના ભાવમાં ફેરફાર કરશે, જેનાથી રસોડાથી લઈને રેસ્ટોરન્ટના ખર્ચ પર અસર દેખાશે. આ ઉપરાંત, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ મહત્ત્વપૂર્ણ ફેરફાર કરાયા છે, જેના હેઠળ ૩૦ હજારથી વધુના ટ્રાન્સપોર્ટેશન અને ૫૦ હજારથી વધુના ફ્યુઅલ ખર્ચ પર ૧ ટકા ચાર્જ વસૂલવામાં આવશે.

કાર ખરીદવાનું વિચારી રહેલા ગ્રાહકો માટે ડિસેમ્બર મહિનો થોડો મોંઘો સાબિત થઈ શકે છે, કારણ કે ટાટા મોટર્સ સહિતની ઓટોમોબાઈલ કંપનીઓએ તેમના વાહનોના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. પેટ્રોલ, ડીઝલ તેમજ ઇલેક્ટ્રિક વ્હીકલ્સના વિભિન્ન વૅરિયન્ટ્સ પર ૦.૫ ટકા સુધીનો ભાવવધારાનો બોજ ગ્રાહકોના ખિસ્સા પર પડશે. બીજી તરફ, કમૉડિટી ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગ કરતા વેપારીઓ માટે સેબીના માર્જિન નિયમો બદલાયા છે, જેમાં કમૉડિટીની વધઘટના આધારે ટ્રેડર્સે ૬ થી ૧૦ ટકા સુધીનું પ્રારંભિક માર્જિન ફરજિયાતપણે જાળવવું પડશે.

કરદાતાઓ અને વેપારી વર્ગ માટે જીએસટી રજિસ્ટ્રેશન રદ કરવાની પ્રક્રિયામાં પણ સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા સુધારા કરવામાં આવ્યા છે. નવા નિયમો મુજબ, પાત્ર અરજીઓ પર જીએસટી કોમન પોર્ટલ દ્વારા ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઝડપી કાર્યવાહી કરવામાં આવશે, જ્યારે બાકી રિટર્ન કે રકમ ધરાવતા પેન્ડિંગ કેસો વધુ તપાસ અર્થે સંબંધિત અધિકારીઓને મોકલવામાં આવશે. આ તમામ બદલાવો આગામી દિવસોમાં નાણાકીય વ્યવહારો અને વ્યાપારિક પ્રક્રિયાઓને વધુ પ્રભાવિત કરશે.

બિઝનેસ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES