જામનગર શહેરમાં સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે જાણીતી અગ્રણી સંસ્થા હિન્દુ સેના દ્વારા એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. સંસ્થા દ્વારા શહેરના જાણીતા મેહુલ સિનેમાઘરમાં એમ.પી. શાહ વૃદ્ધાશ્રમમાં નિવાસ કરતા પચાસથી વધુ વડીલોને આમંત્રિત કરીને ‘કેસરિયો સંકટ મોચન’ ફિલ્મ બતાવવામાં આવી હતી. આ વિશેષ સ્ક્રીનિંગનો મુખ્ય હેતુ વડીલોને દૈનિક દિનચર્યામાંથી મુક્તિ આપીને મનોરંજન પૂરું પાડવાનો તેમજ તેમના ચહેરા પર સ્મિત લાવવાનો હતો. ફિલ્મના પ્રદર્શન દરમિયાન તમામ વડીલોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આનંદ માણ્યો હતો અને આયોજકોના આ સુંદર પ્રયાસની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.
આ સમગ્ર આયોજન પાછળ માત્ર મનોરંજન જ નહીં પરંતુ એક ઉમદા સામાજિક સંદેશ પણ છુપાયેલો હતો. વિશેષ વાત એ છે કે આ ફિલ્મમાં જામનગરના જ એમ.પી. શાહ વૃદ્ધાશ્રમનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં કથાના માધ્યમથી દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક પુત્ર ભૂલથી પોતાના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી જાય છે, પરંતુ અંતે ભગવાન હનુમાનજીની મદદથી અને માતા-પિતાના અમૂલ્ય આશીર્વાદ તથા માર્ગદર્શનથી તે પોતાની ભૂલ સુધારીને તેમને પાછા સન્માનભેર ઘરે લઈ આવે છે. ફિલ્મમાં ભગવાન હનુમાનજી અને ભક્ત વચ્ચેના ગાઢ પ્રેમભાવ ઉપરાંત પારિવારિક મૂલ્યો અને સંસ્કારોને ખૂબ જ સચોટ રીતે ઉજાગર કરવામાં આવ્યા છે, જે ઉપસ્થિત સૌ કોઈના હ્રદયને સ્પર્શી ગયા હતા.
આ ભવ્ય અને સફળ આયોજનમાં હિન્દુ સેનાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ ઉત્સાહભેર પોતાની જવાબદારી નિભાવી હતી. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા હિન્દુ સેનાના ગુજરાત પ્રમુખ પ્રતીક ભટ્ટ અને ગુજરાત યુવા પ્રમુખ મયુર પટેલના માર્ગદર્શન હેઠળ વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ ઉપરાંત, સંસ્થાની નારી શક્તિ વાહિનીનાં પ્રભારી કાજલબેન પંડ્યા, નિશાબેન સોમૈયા અને જયશ્રીબેન સોનેજાએ વડીલોના સ્વાગતથી લઈને બેઠક વ્યવસ્થા અને અન્ય તમામ આગતાસ્વાગતાની જવાબદારી કુશળતાપૂર્વક સંભાળી હતી. ફિલ્મના અંતે વડીલોએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આવા આયોજનોથી તેમને અપાર ખુશી અને હૂંફ મળી છે.
