JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

જામવંથલી આયુષ્માન આરોગ્ય મંદિરની હેટટ્રિક: સતત ત્રીજી વખત મેળવ્યું NQAS રાષ્ટ્રીય પ્રમાણપત્ર

જામવંથલી આયુષ્માન આરોગ્ય મંદિરની હેટટ્રિક: સતત ત્રીજી વખત મેળવ્યું NQAS રાષ્ટ્રીય પ્રમાણપત્ર
જામનગર જિલ્લાના જામવંથલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના આયુષ્માન આરોગ્ય મંદિરે ઉત્કૃષ્ટ સેવાઓ બદલ ૯૦ ટકા ગુણ સાથે સતત ત્રીજી વખત NQAS રાષ્ટ્રીય પ્રમાણપત્ર મેળવીને રાજ્યભરમાં ગૌરવ વધાર્યું છે.

ગ્રામીણ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડવાની દિશામાં જામવંથલી આયુષ્માન આરોગ્ય કેન્દ્રે એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. ભારત સરકારના નેશનલ હેલ્થ સિસ્ટમ્સ રિસોર્સ સેન્ટર (NHSRC), નવી દિલ્હી દ્વારા ગત ૬ અને ૭ નવેમ્બર, ૨૦૨૬ના રોજ આ કેન્દ્રનું કડક રાષ્ટ્રીય કક્ષાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન કેન્દ્રમાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ, તબીબી સેવાઓની ગુણવત્તા, દર્દીઓ પ્રત્યેનો સંવેદનશીલ વ્યવહાર અને સારવાર બાદ દર્દીઓના સંતોષ જેવા અનેક મહત્વપૂર્ણ માપદંડોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી, જેમાં કેન્દ્રે ઉત્તીર્ણ થઈને પ્રશંસનીય દેખાવ કર્યો છે.

આ મૂલ્યાંકન પ્રક્રિયા અત્યંત પારદર્શક અને કડક હોય છે, જેમાં માત્ર કાગળ પરની વિગતો જ નહીં પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી ચકાસવામાં આવે છે. કેન્દ્રની મુલાકાતે આવતી દિલ્હીની વિશેષ ટીમ દ્વારા માત્ર દવાખાનાની વ્યવસ્થાનું નિરીક્ષણ નથી થતું, પરંતુ સારવાર લેવા આવતા દર્દીઓ સાથે સીધી અને વ્યક્તિગત વાતચીત કરવામાં આવે છે. દર્દીઓને સમયસર દવાઓ મળે છે કે નહીં, નિઃશુલ્ક સારવારનો લાભ મળે છે કે કેમ અને તબીબી સ્ટાફનું વર્તન કેવું છે તે અંગે ગ્રામજનો તથા દર્દીઓના સીધા અભિપ્રાય લેવાય છે. આ ઉપરાંત, સ્થાનિક ગામના આગેવાનો અને સામાજિક સંસ્થાઓ સાથે પણ બેઠકો યોજીને પ્રતિભાવો મેળવવામાં આવે છે અને આ સમગ્ર અહેવાલ બંધ કવરમાં સીધો નવી દિલ્હી મોકલવામાં આવે છે.

આ તમામ કઠિન માપદંડોમાં ૯૦ ટકા જેટલા ઊંચા ગુણ પ્રાપ્ત કરીને જામવંથલી આરોગ્ય કેન્દ્રે અગાઉ વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૩ બાદ હવે સતત ત્રીજી વખત આ રાષ્ટ્રીય સન્માન પોતાના નામે કર્યું છે. ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે, આ સિદ્ધિ સાથે આ કેન્દ્ર સમગ્ર જામનગર જિલ્લો અને રાજકોટ રીજિયનમાં સતત ત્રણ વખત NQAS પ્રમાણપત્ર મેળવનાર પ્રથમ આરોગ્ય કેન્દ્ર બની ગયું છે. સરકારના આરોગ્ય વિભાગના સહયોગ અને સ્થાનિક સ્ટાફની સનિષ્ઠ મહેનતના કારણે આ કેન્દ્ર ગ્રામીણ સ્તરે શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.

આરોગ્ય વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES