ઉત્તર પ્રદેશની રાજકીય અટકળો પર પૂર્ણવિરામ મૂકતા સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમ ખાને જણાવ્યું છે કે સપા અને કોંગ્રેસનું ગઠબંધન અકબંધ છે અને તેમાં તિરાડ પડવાનો કોઈ પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે સ્પષ્ટતા કરી હતી કે ગઠબંધનમાં સામેલ કોઈપણ પક્ષને પોતાનો અલગ ચૂંટણી ઘોષણાપત્ર બહાર કરવાનો પૂરો અધિકાર છે અને આ બાબતે કોઈ વિવાદ કે અસંતોષ નથી. તેમણે આ બાબતે ફેલાવવામાં આવતી અફવાઓને નકારી કાઢીને જણાવ્યું હતું કે જ્યારે ગઠબંધનનું સંયુક્ત ઢંઢેરો બહાર આવશે ત્યારે તે જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે, જે બંને પક્ષોની પરસ્પર સમજૂતી દર્શાવે છે.
બેઠકોની ફાળવણી અંગે વાત કરતા આઝમ ખાને જણાવ્યું હતું કે આ અંગેની આખરી નીતિ અને નિર્ણયો સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને જરૂર પડ્યે પ્રિયંકા ગાંધી વચ્ચેની બેઠકમાં જ નક્કી થશે. હાલમાં પ્રારંભિક ચર્ચાઓ ચાલી રહી છે જેમાં સપાએ કોંગ્રેસને શરૂઆતી તબક્કામાં ૨૬ બેઠકોની ઓફર કરી છે, જ્યારે કોંગ્રેસ ૧૨૦ બેઠકોની માંગ પર અડગ રહી છે. બંને પક્ષો વચ્ચે મંત્રણાનો દોર યથાવત છે જેથી આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં બેઠક વહેંચણીનો સુમેળભર્યો ઉકેલ લાવી શકાય અને ઉત્તર પ્રદેશમાં સત્તા પર વાપસી કરી શકાય.
ચંદ્રશેખર આઝાદ અને અસદુદ્દીન ઓવૈસી દ્વારા મુસ્લિમ ઉપમુખ્યમંત્રીના ચહેરાની અટકળો પર કટાક્ષ કરતા આઝમ ખાને પોતાના આગવા અંદાજમાં કહ્યું કે તેઓ પોતે જ 'આઝમ' છે અને તેમના નામની આગળ માત્ર 'વઝીર' શબ્દ જોડવાનો બાકી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૭ અને ૨૦૨૨ની સળંગ હાર બાદ સમાજવાદી પાર્ટી આ વખતે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે મળીને મજબૂતીથી મેદાનમાં ઉતરી રહી છે અને ગઠબંધન દ્વારા સત્તા મેળવવાના પ્રયાસોી પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.
