ગુજરાતમાં સરકારી આરોગ્ય માળખાની સ્થિતિ અંગે કોંગ્રેસ પક્ષ દ્વારા ગંભીર ખુલાસા કરવામાં આવ્યા છે. સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (CHC) પર મંજૂર કરાયેલી વિશેષજ્ઞ તબીબોની કુલ જગ્યાઓમાંથી 65.3 ટકા જગ્યાઓ ખાલી પડી છે, જે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની નબળી હાલત દર્શાવે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના 'હેલ્થ ડાયનેમિક્સ ઓફ ઇન્ડિયા 2024-25' અહેવાલને ટાંકીને કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કથાવડિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના સેંકડો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) પર પણ ડોક્ટરોની ભારે અછત વર્તાઈ રહી છે.
અહેવાલ મુજબ, ગુજરાતના કુલ 353 સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાંથી માત્ર બે જ કેન્દ્રો એવા છે જ્યાં ચારેય શ્રેણીના વિશેષજ્ઞ તબીબો ઉપલબ્ધ છે. જનરલ મેડિસિન વિભાગમાં સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે, જ્યાં 353 ની જરૂરિયાત સામે માત્ર 31 જ તબીબો હાજર છે અને 322 જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત, ગ્રામીણ PHC માં 380 ડોક્ટરોની જગ્યાઓ ખાલી હોવાની સાથે નર્સિંગ સ્ટાફની પણ મોટી ઘટ છે, જેમાં 6,514 જરૂરી સ્ટાફ સામે 2,203 ઓછા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.
શહેરી વિસ્તારોના આરોગ્ય માળખા અંગે પણ અહેવાલમાં સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અંદાજે 3.64 કરોડની શહેરી વસ્તી માટે નિયમ મુજબ 728 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો હોવા જોઈએ, પરંતુ તેમાં 41 ટકાની ખાધ જોવા મળી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષે રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છે કે શહેરોમાં પ્રાથમિક સ્વાસ્થ્ય સેવાઓ સુધારવા માટે તાત્કાલિક ધોરણે ઓછામાં ઓછા 300 નવા PHC શરૂ કરવામાં આવે.
