JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

સાબરકાંઠા બન્યું રાજ્યનું પ્રથમ ૧૦૦ ટકા પ્રમાણિત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ધરાવતો જિલ્લો

સાબરકાંઠા બન્યું રાજ્યનું પ્રથમ ૧૦૦ ટકા પ્રમાણિત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ધરાવતો જિલ્લો
સાબરકાંઠા જિલ્લાએ જાહેર આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ઈડર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સહિત કુલ ૧૪૩ આરોગ્ય સંસ્થાઓએ નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ્સ (NQAS) અંતર્ગત રાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું છે.

સાબરકાંઠા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી પ્રજાને સ્થાનિક કક્ષાએ જ ઉત્તમ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે જિલ્લાનું આરોગ્ય તંત્ર હંમેશા સક્રિય રહ્યું છે. જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અને પ્રોત્સાહન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા ગુણવત્તાયુક્ત સેવાઓ સુનિશ્ચિત કરવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જેના પરિણામે આજે સાબરકાંઠા જિલ્લાએ જાહેર આરોગ્ય સેવાઓને વધુ સુરક્ષિત, સુલભ અને દર્દીલક્ષી બનાવવાની દિશામાં એક મોટી સફળતા મેળવી છે. આ સિદ્ધિ અંતર્ગત ઈડર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સહિત જિલ્લાની કુલ ૧૪૩ જેટલી આરોગ્ય સંસ્થાઓએ રાષ્ટ્રીય સ્તરના ગુણવત્તા પ્રમાણપત્રો મેળવ્યા છે, જે સમગ્ર રાજ્ય માટે એક ગર્વની બાબત છે.

આ રાષ્ટ્રીય પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયામાં વિવિધ સખત માપદંડોનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે દર્દીઓના અધિકારો, સંસ્થાકીય સ્વચ્છતા, ચેપ નિયંત્રણ, દવાઓની પૂરતી ઉપલબ્ધતા, સારવારની આધુનિક પદ્ધતિઓ, રેકોર્ડની ચોક્કસ જાળવણી, દર્દીઓનો સંતોષ અને આરોગ્ય સેવાઓની સંપૂર્ણ સલામતી જેવા પાસાઓનો સમાવેશ થાય છે. જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ગૌતમ નાયકના જણાવ્યા અનુસાર, આ સિદ્ધિ માત્ર આંકડાકીય નથી પરંતુ તે જિલ્લાના નાગરિકોને મળતી આરોગ્ય સેવાઓની ગુણવત્તા પ્રત્યેની સરકાર અને તંત્રની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. તાલુકા આરોગ્ય તંત્ર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને આયુષ્માન આરોગ્ય મંદિરોની ટીમોના સંકલિત પ્રયાસોને કારણે જ આ મુકામ હાંસલ થયો છે.

આ ઐતિહાસિક સફળતા બાદ જિલ્લા આરોગ્ય તંત્રની જવાબદારીઓ વધુ વધી ગઈ છે અને આગામી સમય માટે નવા લક્ષ્યો પણ નક્કી કરવામાં આવ્યા છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ આ સિદ્ધિ બદલ તમામ તબીબો, પેરામેડિકલ સ્ટાફ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આ ગુણવત્તાના ધોરણોને સતત જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. એટલું જ નહીં, આગામી દિવસોમાં જિલ્લાના બાકી રહેલા તમામ આરોગ્ય કેન્દ્રોને પણ આ જ પ્રકારના રાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણપત્ર અપાવવાનું આયોજન છે, જેથી સાબરકાંઠાના પ્રત્યેક નાગરિકને તેમના ઘરઆંગણે જ અત્યંત વિશ્વસનીય અને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સેવાઓ નિઃસંકોચ મળી રહે.

આરોગ્ય વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES